અલાહાબાદ હાઈકોર્ટે બુધવારે એક ચુકાદામાં કહ્યું કે, વૈજ્ઞાનિકો માને છે કે, ગાય (Cow) એક માત્ર એવું પ્રાણી છે જે ઓક્સિજન લે છે અને છોડે છે. ઉપરાંત ગાય (Cow)ના દૂધ, તેમાંથી તૈયાર થતા દહીં અને ઘી, તેના મૂત્ર અને છાણમાંથી બનતા પંચગવ્ય અનેક અસાધ્ય રોગોમાં લાભકારી છે.
ન્યાયમૂર્તિ શેખર કુમાર યાદવે અરજીકર્તા જાવેદની જામીન અરજી રદ કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. જાવેદ પર આરોપ છે કે, તેણે પોતાના સાથીઓ સાથે મળીને ફરિયાદી ખિલેન્દ્ર સિંહની ગાય (Cow) ચોરી અને તેનો વધ કર્યો.
ગાય માં 33 કોટિ દેવી-દેવતાઓનો વાસ
કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, ‘હિંદુ ધર્મ પ્રમાણે ગાયમાં 33 કોટિ દેવી-દેવતાઓનો વાસ છે. ઋગ્વેદમાં ગાયને અઘન્યા, યજુર્વેદમાં ગૌર અનુપમેય અને અથર્વવેદમાં સંપત્તિઓનું ઘર કહી છે. ભગવાન કૃષ્ણને તમામ જ્ઞાન ગૌચરણોમાંથી જ પ્રાપ્ત થયું. ઈસા મસીહે એક ગાય કે બળદને મારવું તે મનુષ્ય વધ સમાન છે તેમ કહેલું છે. બાળ ગંગાધર ટિળકે કહ્યું હતું કે, ભલે મને મારી નાખો પરંતુ ગાય પર હાથ ન ઉઠાવશો. પંડિત મદન મોહન માલવીયે સંપૂર્ણ ગૌહત્યા નિષેધ કરવાની વકીલાત કરી હતી. ભગવાન બુદ્ધ ગાય ને મનુષ્યની મિત્ર ગણાવે છે. જ્યારે જૈનોમાં ગાયને સ્વર્ગ ગણાવી છે.’
કોર્ટે કહ્યું કે, ‘ભારતીય બંધારણના નિર્માણ સમયે બંધારણ સભાના અનેક સદસ્યોએ ગૌરક્ષાને મૌલિક અધિકાર તરીકે સામેલ કરવાની વાત કરી હતી. હિંદુઓ સદીઓથી ગાય ની પૂજા કરતા આવ્યા છે. આ વાત બિનહિંદુઓ પણ સમજે છે અને આ કારણે જ બિનહિંદુ નેતાઓએ મુઘલ કાળમાં હિંદુ ભાવનાઓની કદર કરીને ગૌવધનો પૂરજોશમાં વિરોધ કર્યો હતો.’
પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના – ક્યાં અને કેવી રીતે અરજી કરવી ?
કોર્ટના કહેવા પ્રમાણે ‘કહેવાનો અર્થ એવો છે કે, દેશનું બહુસંખ્યક મુસ્લિમ નેતૃત્વ હંમેશા ગૌહત્યા પર દેશવ્યાપી પ્રતિબંધ લગાવવાના પક્ષમાં રહ્યું છે. ખ્વાજા હસન નિજામીએ એક આંદોલન ચલાવ્યું હતું અને ‘તાર્ક એ ગાઓ કુશી’ નામનું એક પુસ્તક લખ્યું હતું જેમાં ગૌહત્યા ન કરવાની વાત લખી હતી. સમ્રાટ અકબર, હુમાયુ અને બાબરે પોતાની સલ્તનતમાં ગૌહત્યા ન કરવાની વિનંતી કરી હતી.’
ભારતમાં ગૌહત્યા પર પ્રતિબંધ લગાવવા માટે કાયદો લાવવાની માગ
કોર્ટના કહેવા પ્રમાણે ‘જમીયત-એ-ઉલેમા-એ-હિંદ’ના મૌલાના મહમૂદ મદનીએ ભારતમાં ગૌહત્યા પર પ્રતિબંધ લગાવવા માટે કેન્દ્રીય કાયદો લાવવાની માગ કરી છે. આ સમસ્ત પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ગાય ને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવાની અને ગૌરક્ષાને હિંદુઓના મૌલિક અધિકારમાં સામેલ કરવાની જરૂર છે.
કોર્ટે જણાવ્યું કે, જ્યારે ગાયનું કલ્યાણ થશે ત્યારે જ આ દેશનું કલ્યાણ થશે અને ઘણી વખત એ જોઈને ખૂબ કષ્ટ થાય છે કે, ગાય ના સંરક્ષણ અને સંવર્ધનની વાત કરનારા જ ગાયના ભક્ષક બની જાય છે.