ગુજરાતમાં વધુ એક પેપર લીક થયું છે. રાજ્યમાં હાલમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે અને પેપર લીક થવાની ઘટના સામે આવી છે.
ધોરણ 10, હિન્દીની પરીક્ષાનું પેપર પરીક્ષાના અડધા કલાક પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. કોંગ્રેસે આ મામલે તપાસની માંગ કરી છે.
બીજી તરફ બોર્ડે જણાવ્યું હતું કે પેપર લીક થયું ન હતું પરંતુ પરીક્ષા આપ્યા બાદ તેને સોલ્વ કરનાર વિદ્યાર્થી દ્વારા વાયરલ કરવામાં આવ્યું હોત. આજે સવારે 10 વાગ્યે ધોરણ 10નું હિન્દીનું પેપર હતું. બીજી તરફ પેપર પરીક્ષા પૂર્ણ થવાના અડધો કલાક પહેલા વાયરલ થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
સમાચાર અહેવાલો પર પ્રતિક્રિયા આપતા ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીનું કહેવું છે કે, સરકાર આ અંગે જવાબ આપે. પેપર બહાર કેવી રીતે આવ્યું. એક વાગે પેપર બહાર આવ્યું અને એક મિનિટમાં જ પેપર સોલ્વ કરીને બહાર આવી ગયું અને અપલોડ થઇ ગયું એ કેવી રીતે બની શકે?
મનિષ દોશીએ વધુમાં જણાવ્યું કે, અધિકારીઓ ભલે સરકારની ચાપલૂસી કરતાં હોય પણ ગુજરાતનાં લાખો વિદ્યાર્થીઓની કારકિર્દીઓ સવાલ છે. ગુજરાત સરકાર વિદ્યાર્થીઓના ભાવી સાથે આ રીતે રમત કેવી રીતે રમી શકે?
“ગુજરાતનાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ગુજરાતમાં સારા શિક્ષણની બડાઇઓ ફૂંકે છે અને અહીં પેપર લિક થવાની ઘટનાઓ છાશવારે બનતી હોય છે. લાખો વિદ્યાર્થીઓનાં ભાવી અંગે હવે તેઓ શું કહેશે?” તેમ દોશીએ જણાવ્યું હતું.
આ મામલે ગુજરાત શિક્ષણ બોર્ડનાં ચેરમેન એ જે શાહનું કહેવું છે કે, પેપર લીક નથી થયું. પરીક્ષાનો સમય સવારે 10 વાગ્યાનો હતો અને સવા વાગ્યે પરીક્ષા પૂર્ણ થાય છે. આ પેપર સોશિયલ મીડિયા પર એક વાગ્યે ફરતું થયું છે, માટે આ પેપર કોઇ વિદ્યાર્થી વહેલો બહાર નીકળી ગયો હોય અને તેણે સોલ્વ કરીને કોઇને સોશિયલ મીડિયા પર મોકલ્યું હોય અને તેવું બની શકે છે.