આજનો યુગ ઇન્ટરનેટ સાથે એટલી હદ સુધી જોડાઈ ગયો છે કે, જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ. જેમકે, હાલ સોશિયલ મીડિયા પર એકબીજા સાથે વાત કરવી, વીડિયો કોલ કરવો, ઓનલાઈન ગેમ્સ રમવી, ઓફિસનું કામ કરવું કે કોઈને પૈસા મોકલવા (UPI) વગેરે જેવી બાબતો માટે ઈન્ટરનેટ ફરજિયાતપણે જોઈએ.
ઈન્ટરનેટ વર્તમાન સમયમા સૌ કોઈ માટે એક જીવન જરૂરિયાતની વસ્તુ બની ગઈ છે. હાલ લોકોના મોટાભાગના કામ ઇન્ટરનેટ આધારિત બની ચુક્યા છે. ઇન્ટરનેટ વિના લોકોના ઘણા બધા કામ અટકી જાય છે. કોમ્પ્યુટરથી માંડીને મોબાઈલ ફોન સુધીની તમામ વસ્તુઓ માટે તમારે ઇન્ટરનેટની જરૂરિયાત પડે છે. તમારા મોબાઇલ અથવા લેપટોપમાં ઇન્ટરનેટ ના હોય અથવા તમારી ઓફિસમાં ઇન્ટરનેટ ન હોય તો તમારા બધા જ કામ અટકી પડે છે.
વર્તમાન સમયમા લોકોના મોટાભાગના નાણાકીય વ્યવહાર ઓનલાઇન થઇ ચુક્યા છે અને ઓનલાઇન વ્યવહાર કરવા માટે ઇન્ટરનેટના માધ્યમની જરૂર પડે છે પરંતુ, ક્યારેક એવી સ્થિતિ સર્જાય કે તમારા ફોનનું નેટવર્ક ના આવતું હોય અને તમારે ઇમરજન્સી કોઈને પૈસા ટ્રાન્સફર કરવાના થાય તો તમે શું કરશો? આ સમસ્યાનું સમાધાન આજે આ લેખમા અમે લાવ્યા છીએ તો ચાલો જાણીએ.
જેમ તમે ઇન્ટરનેટની મદદથી UPI ના માધ્યમ દ્વારા અનેક એપ્લીકેશનોનો ઉપયોગ કરીને ઓનલાઇન પૈસાની લેવડ-દેવડ કરી શકો છો તેવી જ રીતે તમે તમારા ફોન પરથી પણ ઇન્ટરનેટ વગર પૈસા મોકલી શકો છો. આ વાત સાંભળીને તમને થોડા સમય માટે વિશ્વાસ નહિ આવે અને એવો વિચાર પણ આવશે કે, ઇન્ટરનેટ વગર કોઇને પૈસા કેવી રીતે મોકલી શકાય? તો ચાલો આપણે તમને આ સરળ પ્રક્રિયા વિશે જણાવીએ.
ઇન્ટરનેટ વગર મોબાઇલથી પૈસા કેવી રીતે ટ્રાન્સફર કરવા?
જો તમારી પાસે તમારા ફોનમાં ઇન્ટરનેટ નથી અને તમારું UPI રજિસ્ટર્ડ થયેલું છે તો તમે ઓફલાઇન પણ પૈસાની લેવડ-દેવડ કરી શકો છો. આ માટેની એક ખુબ જ સરળ રીત છે જેને તમે ફોલો કરી શકો છો.
આ રીતે કરો પૈસા ટ્રાન્સફર :
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા USSD સેવા *99# લોન્ચ કરવામાં આવી હતી. આ સેવાનો એવા લોકો માટે છે કે, જેમની પાસે સ્માર્ટફોન નથી.
ઓફલાઈન ટ્રાન્સફર માટે આ પ્રોસેસ છે ફરજીયાત :
જો તમે ઓફલાઈન પૈસા ટ્રાન્સફર કરવા ઇચ્છતા હોવ તો તેના માટે તમારા ફોનમા રહેલું સીમકાર્ડ UPI માં ફરજિયાતપણે રજીસ્ટર થયેલું હોવુ જોઈએ.
Online પૈસા ટ્રાન્સફર કરવા મામલે સમાચાર : RBI એ બદલ્યો આ નિયમ, જાણો…
આ રીતે કરી શકો છો સેવાનો ઉપયોગ :
UPI ટ્રાન્ઝેક્શનકરવા માટે તમારે સૌથી પહેલા તમારા મોબાઈલમાંથી *99# ડાયલ કરવું પડશે. આ નંબર ડાયલ કર્યા બાદ તમને ફોનમાં ઘણા બધા વિકલ્પો જોવા મળશે જેમકે, સેન્ડ મની, રિસીવ મની , બેલેન્સ ચેક વગેરે. હવે જો તમારે કોઈને પૈસા મોકલવા હોય તો તેના માટે તમારે સેન્ડ મની એટલે કે 1 નંબર દબાવવો પડશે. 1 નંબર દબાવશો એટલે તમારી સામે ફરી ત્રણ વિકલ્પ આવશે કે, મોબાઈલ નંબર પર મોકલવા, યુપીઆઈ આઈડી પર મોકલવા કે પછી બેન્કના ખાતામા મોકલવા. ઉદાહરણ તરીકે, જો તમે UPI ID પર પૈસા મોકલવા માંગતા હોવ તો તમારે તે વ્યક્તિની UPI ID દાખલ કરવી પડશે કે, જેમા તમે પૈસા મોકલવા માંગો છો. આમ, તમે આ સુવિધાનો લાભ લઈને ઇન્ટરનેટ વિના પણ પૈસા મોકલાવી શકો છો.