શું ક્યારેય વિચાર્યું છે કે તમારા મોત બાદ તમારો ડેટા કે જે ગૂગલ (Google data) અને એપલ પાસે સચવાયેલો હોય છે તેનું શું થાય છે? ગૂગલ તરફથી એક ખાસ સેવા આપવામાં આવી રહી છે. આ ફીચર પ્રમાણે તમને એ નક્કી કરવાની છૂટ મળે છે કે તમારું એકાઉન્ટ નિષ્ક્રિય થશે ત્યારબાદ તમારા ડેટા (What happned to your google data after death)નું શું થશે.
જો તમે ગૂગલની સેવા જેવી કે ગૂગલ મેપ (Google Map), જીમેઇલ (Gmail), સર્ચ, ગૂગલ ફોટો અથવા એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરો છો તો ગૂગલ તમારો અઢળક ડેટા સેવ રાખે છે. એટલું જ નહીં, અમુક લોકો પોતાના બેંકના કાર્ડ્સની વિગતો તેમજ પેમેન્ટ માટે ગૂગલ પે (Google Pay)નો ઉપયોગ કરતા હોય છે. તમારા મોતના કેસમાં આ તમામ માહિતી કોઈ ત્રીજી વ્યક્તિને કેવી રીતે શેર કરવી તે નક્કી હોવું જરૂરી છે. આથી અમે અહીંયા તમને તમારા ડેટાને કેવી રીતે સુરક્ષિત હાથમાં રાખવો તેના વિશે જણાવી રહ્યા છીએ.
જ્યારે કોઈ વ્યક્તિ પોતાના ગૂગલ એકાઉન્ટ (Google Account)નો ઉપયોગ કરવાનું બંધ કરી દે છે ત્યારે તે અમુક મહિનાઓ બાદ નિષ્ક્રિય થઈ જાય છે. જ્યારે ગૂગલને એવું માલુમ પડે છે કે કોઈ એકાઉન્ટ લાંબા સમયથી ઉપયોગમાં નથી લેવાયું ત્યારે તે તેને નિષ્ક્રિય કરી દે છે. જોકે, ગૂગલ હાલમાં એવી સુવિધા આપે છે, જેમાં તમારા એકાઉન્ટને ક્યારે નિષ્ક્રિય ગણવું તેમજ તેની સાથે શું કરવું તેમજ ડેટાનું શું કરવું તેનો વિકલ્પ આપે છે.
ગૂગલ આપે છે વિકલ્પ
ગૂગલ તમારા ડેટાને બીજા એકાઉન્ટ સાથે શેર કરવાનો વિકલ્પ આપે છે. એટલું જ નહીં, જે તે વ્યક્તિ ગૂગલને ડેટાને ડિલિટ કરવાનો પણ આદેશ કરી શકે છે. એક ફીચર પ્રમાણે તમારા એકાઉન્ટને નિષ્ક્રિય ગણવા માટે કેટલો વધારાનો સમય ધ્યાનમાં રાખવો તેની સુવિધા મળે છે. આ માટે યૂઝર્સ વધુમાં વધુ 18 મહિનાનો સમય પસંદ કરી શકે છે. આ માટે તમે myaccount.google.com/inactive પર જઈને વિગતો જાણી શકો છો.
આ લીંકમાં ક્લિક કર્યાં બાદ તમારે સૌપ્રથમ તમારું ખાતું નિષ્ક્રિય થાય તે માટે વેઇટિંગ ટાઇમ સેટ કરવાનો રહેશે. જેમાં તમારે ઇમેઇલ આઈડી, ફોન નંબર સહિતની વિગતો દાખલ કરવી પડશે.
10 નામ પસંદ કરવાની છૂટ
જે બાદમાં Google તમને 10 એવા નામ પસંદ કરવાની છૂટ આપશે, જેમને તમારું એકાઉન્ટ નિષ્ક્રિય થયા બાદ નોટિફિકેશન પ્રાપ્ત થશે. યૂઝર્સ કોઈ ત્રીજી પાર્ટીને પોતાનો ડેટા એક્સેસ કરવા કે ડાઉનલોડ કરવાની પણ મંજૂરી આપી શકે છે. આ માટે કોઈ વેરિફાઇડ થયેલું ઇમેઇલ આઈડી જરૂરી છે.
જો તમે કોઈને પણ તમારો ગૂગલ ડેટા નથી આપવા માંગતા તો તમારે કોઈ જ ઇમેઇલ આઈડી દાખલ કરવાનું રહેશે નહીં. જેનો મતલબ એવા થાય કે તમારું ખાતું નિષ્ક્રિય થયા બાદ Google તમારો ડેટા ડિલિટ કરી નાખશે, તેમજ તેને ફરીથી રિસ્ટોર પણ નહીં કરી શકાય.
કયો ડેટા શેર કરવો તે નક્કી કરો
જ્યારે તમે કોઈ વિશ્વાસપાત્ર ઇ-મેઇલ દાખલ કરશો ત્યારે ગૂગલ તમને એક યાદી બતાવશે, જેમાં તમે પસંદ કરી શકો છો કે તમે આ ઈમેઇલ આઈડી ધરાવતા વ્યક્તિ સાથે કયો કયો ડેટા શેર કરવા માંગો છો. આ લિસ્ટમાં ગૂગલ પે, Google ફોટો, Google ચેટ, લોકેશન હિસ્ટ્રી તેમજ ગૂગલ એકાઉન્ટમાં ઉપલબ્ધ તમામ સેવા હોય છે.
હાઈ સ્પીડ ઈન્ટરનેટ માટે એલન મસ્કની Google સાથે ડીલ
જોકે, અહીં એક વાત નોંધવી રહી કે તમે જેના પર ભરોશો મૂક્યો હોય તે વ્યક્તિ તમારું એકાઉન્ટ નિષ્ક્રિય થયાના ત્રણ મહિના બાદ જ તમારા ડેટાને મેળવી શકશે. ગૂગલ એ વ્યક્તિને આ અંગે ઇમેઇલ કરીને જાણકારી આપશે. જો તમે એકાઉન્ટ નિષ્ક્રિય થવાના કેસમાં ડેટાને ડિલિટ કરવાનો વિકલ્પ પસંદ કરશો તો ગૂગલ તમારો તમામ ડેટા ડિલિટ કરી દેશે. આ ડેટામાં યુ-ટ્યુબ વીડિયો, લોકેશન હિસ્ટ્રી, સર્ચ હિસ્ટ્રી, ગૂગલ પે ડેટા અને અન્ય કન્ટેન્ટ સામેલ છે.