QR કોડ આમ તો ઘણી જૂની શોધ છે પરંતુ તેનો ઉપયોગ હમણાં હમણાં જબરજસ્ત વધ્યો છે. પાનના ગલ્લા, પાણીપુરીના ખૂમચા, કરિયાણાની દુકાન, પેટ્રોલ પંપ વગેરે દરેક જગ્યાએ ઓનલાઇન પેમેન્ટ કરવા માટે QR કોડ જોવા મળવા લાગ્યા છે. આપણને પણ તેના ઉપયોગની બરાબર ફાવટ આવી ગઈ છે. બીજી તરફ અખબાર-સામયિકોમાં, જાહેરાતનાં હોર્ડિંગ્સમાં, ફરફરિયામાં અને રેસ્ટોરાંના ટેબલ પર પણ હવે QR કોડ સામાન્ય થઈ ગયા છે. આ કોડ અને પેલા પેમેન્ટ કોડ મૂળભૂત રીતે સરખા હોવા છતાં બંનેમાં કેટલાક ફેર છે.
આપણે જાણીતી જગ્યાએ યુપીઆઇ એપથી રકમ ચૂકવવા માટે, એનો QR કોડ સ્કેન કરવામાં બહુ વિચાર ન કરીએ તો ચાલે, પણ બીજી એપ્સથી બીજા કોડ સ્કેન કરવામાં કેટલાંક ખાસ જોખમ છે. ખરેખર ઉપયોગી QR કોડ્સ કઈ રીતે જોખમી બની શકે છે અને શું ધ્યાન રાખવું એ પણ જાણીએ.
ક્યુ-આર કોડ શું છે?
‘QR’નો શાબ્દિક અર્થ છે ‘ક્વિક રિસ્પોન્સ’(નવું જાણવાની શરૂઆત કદાચ અહીંથી થાય!). નાના નાના ચોકઠાની બનેલી ને નરી આંખે સમજવી અશક્ય ડિઝાઇનને સ્માર્ટફોનના કેમેરાથી સ્કેન કરતાં આંખના પલકારામાં આપણે રિસ્પોન્સ મળે છે. એટલે નામ પડ્યું QR કોડ. ૧૯૯૪માં જાપાનમાં વાહનોના મેન્યુફેકચરિંગમાં પાર્ટસને ટ્રેક કરવા માટે તેની શોધ થઈ. નાના અમથા QR કોડમાં ટેક્ટ્સના ચારથી સાત હજાર કેટલા કેરેક્ટર્સ સમાઈ શકે છે.
સહેલાઈથી ને ઝડપથી સ્કેન થઈ શકે એ માટે QR કોડ ચોરસ રાખવામાં આવ્યા. તેને સ્કેન કરવામાં આવે ત્યારે સ્કેનર ઉપરથી નીચે અને જમણેથી ડાબે સ્કેન કરી, તેમાંનો ડેટા રીડ કરી શકે છે. તેના શોધકે આ શોધ પર પોતાનો ઇજારો રાખવાને બદલે કોઈ પણ વ્યક્તિ QR કોડ વિકસાવી શકે અને ઉપયોગ કરી શકે એવો વિકલ્પ અપનાવ્યો. શરૂઆતમાં મેન્યુફેકચરિંગ ને સપ્લાઇય ચેઇન સિવાય QR કોડનો ખાસ ઉપયોગ નહોતો થતો, પરંતુ છેલ્લા એક દાયકામાં તેનો ઉપયોગ ખાસ્સો વિસ્તર્યો અને વધ્યો છે.
પેમેન્ટ સિવાય પણ અનેક ઉપયોગો
આપણને QR કોડ સ્કેન કરીને પેમેન્ટ કરવાનો સૌથી વધુ અનુભવ છે પરંતુ તેના બીજા પણ ઘણા ઉપયોગ છે અને એ જ વાત તેને જોખમી બનાવે છે. QR કોડનો અત્યારે સૌથી વધુ ઉપયોગ ઇન્ટરનેટની લિંક સ્ટોર કરવા માટે થાય છે. મતલબ કે ઇન્ટરનેટનાં જેટલાં જોખમી પાસાં છે એ બધાં QR કોડમાં સમાઈ જાય છે! QR કોડને સ્કેન કરતાં એપ સ્ટોરમાંથી કે અન્ય સ્રોતમાંથી કોઈ એપ સીધી જ ફોનમાં ડાઉનલોડ થઈ શકે છે. કોઈ પીડીએફ ફાઇલ સીધી ડાઉનલોડ થઈ શકે છે. તેમ કોઈ પણ જોખમી માલવેર પણ સીધેસીધો ડાઉનલોડ થઈ શકે છે!
વોટ્સએપ જેવા એકાઉન્ટ માટેની લોગ-ઇન વિગતો વેરિફાય કરવા તેનો ઉપયોગ થઈ શકે. તેમાં વાઇ-ફાઇની વિગતો સ્ટોર કરી શકાય છે એટલે આપણે કોડ સ્કેન કરી કોઈ વાઇ-ફાઇ નેટવર્ક સાથે કનેક્ટ થઈ શકીએ છીએ. મ્યૂઝિયમમાં કલાકૃતિની બાજુનો QRકોડ તેના વિશેના ફુલ પેજ પર લઈ જાય. વિદેશોમાં, મૃત વ્યક્તિની કબર પર QR કોડ મૂકવાનું શરૂ થયું છે, જેથી એ વ્યક્તિને ઓનલાઇન શ્રદ્ધાંજલિ આપી શકાય!
કેવી રીતે જનરેટ કરી શકાય?
યુપીઆઇમાં, આપણા દરેક બેન્ક એકાઉન્ટ માટે અલગ યુપીઆઈ કોડ જનરેટ થાય છે. તે એપ આપોઆપ જનરેટ કરે છે. આ કોડમાં યુપીઆઈ એકાઉન્ટની વિગતો હોય છે, જે તેને સ્કેન કરનારી વ્યક્તિ પાસેથી પેમેન્ટ લેવા માટે પૂરતી હોય છે, પરંતુ આપણો બેન્ક ખાતા નંબર કે પાસવર્ડ વગેરે કોઈ વિગત સ્કેન કરનારને મળતી નથી. અન્ય ઉપયોગ માટેના QR કોડ કોઈ પણ વ્યક્તિ જનરેટ કરી શકે છે. એ માટે ઇન્ટરનેટ પર સંખ્યાબંધ સર્વિસ છે (ખાસ ડિઝાઇન સાથેના કોડ જનરેટ કરી,તેનો ઉપયોગ ટ્રેક કરી આપતી પેઇડ સર્વિસ પણ ઇન્ટરનેટ પર છે). હવે ગૂગલે આ કામ સહેલું બનાવ્યું છે.
પીસીમાં ક્રોમ બ્રાઉઝરમાં તમે કોઈ પણ પેજ પર હો ત્યારે એડ્રેસ બારમાં કર્સર મૂકતાં જમણી તરફ QR કોડની નિશાની જોવા મળે છે. તેને ક્લિક કરીને એ પેજની લિંક સાથેનો QR કોડ ડાઉનલોડ કરી શકાય. મોબાઇલમાં ક્રોમ બ્રાઉઝરમાં ત્રણ ડોટ પર ક્લિક કરી, ‘શેર’ બટન ક્લિક કરતાં QR કોડનો વિકલ્પ મળે છે (અહીંથી QR કોડ જનરેટ કરી શકાય છે તેમ સ્કેન પણ કરી શકાય છે).
કોડના પ્રકાર
QR કોડના બે મુખ્ય પ્રકાર છે – સ્ટેટિક કોડ અને ડાયનેમિક કોડ. યુપીઆઈ પેમેન્ટ માટેના કોડ ‘સ્ટેટિક’ હોય છે. તેમાં સ્ટોર થયેલી ઇન્ફર્મેશન પછી બદલી શકાતી નથી. આવા કોડ સ્કેન કરનારી વ્યક્તિ રકમ પોતે લખે છે અને પછી આપણને મોકલે છે. યુપીઆઈ એપમાં, આપણા યુપીઆઇ એકાઉન્ટ માટે, નિશ્ચિત રકમના QR કોડ જનરેટ કરવાની સગવડ પણ મળે છે. પેટ્રોલ પંપ પર તમારો અનુભવ હશે કે કાં તો આપણે સ્ટીકર સ્કેન કરી જાતે રકમ લખીને પેમેન્ટ કરી શકીએ અથવા એટેન્ડન્ટ પોતાના હાથમાંના ડિવાઇસમાં બિલની રકમ ઉમેરે અને પછી જે કોડ જનરેટ થાય એ સ્કેન કરીને આપણે માત્ર પોતાનો પિન આપવાનો રહે છે. અન્ય ઉપયોગ માટેના કોડમાં, કોડ જ્યાંથી જનરેટ કર્યો હોય એ સર્વિસમાં લોગઇન થઈને જે તે કોડ સાથે કનેક્ટ કરેલ લિંક ભવિષ્યમાં બદલી શકાય છે. જેમ કે પહેલાં માત્ર હોમપેજના યુઆરએલ માટે QR કોડ જનરેટ કર્યો હોય અને પછી એના એ કોડને સાઇટ પર કોઈ પ્રોડક્ટના પેજ સાથે લિંક કરી શકાય છે. આને ‘ડાયનેમિક’ કોડ કહે છે.
કઈ રીતે સ્કેન કરી શકાય?
ફરી, મોબાઇલ વોલેટ કે યુપીઆઇ એપની વાત કરીએ તો, તેના QR કોડને આપણે જે તે વોલેટ અથવા યુપીઆઈ એપમાંથી સ્કેન કરી શકીએ. અન્ય ઉપયોગ માટેના QR કોડની વાત જરા જુદી છે. એપલના આઇફોનમાં લાંબા સમયથી કેમેરામાં QR કોડ સ્કેનર સામેલ છે. એન્ડ્રોઇડમાં એવું નહોતું. આપણે અલગ થર્ડ પાર્ટી એપ્સ ઇન્સ્ટોલ કરવી પડતી. હવે એન્ડ્રોઇડમાં પણ જુદી જુદી રીતે કોડ સ્કેન કરવાની સગવડ ઉમેરાઈ ગઈ છે. કોઈ થર્ડ પાર્ટી એપની જરૂર નથી. ગૂગલ સર્ચ એપમાં સર્ચ બોક્સમાં જમણી તરફ ‘ગૂગલ લેન્સ’નો આઇકન દેખાશે તેને ક્લિક કરી કોઈ પણ QR કોડ સ્કેન કરી શકાય. ફોનનું હોમ બટન જરા લાંબો સમય પ્રેસ કરી, ગૂગલ આસિસ્ટન્ટ એક્ટિવ કરતાં, તેમાં પણ તમને ગૂગલ લેન્સનો આઇકન જોવા મળશે. આગળ વાત કરી તેમ ક્રોમ એપમાં ‘શેર’ બટનમાં પણ QR કોડ સ્કેન કરવાનો વિકલ્પ મળે છે. આ રીતે કોડ સ્કેન કરવાનો ફાયદો એ છે કે કોડ સ્કેન કરતાં તે આપણને ક્યા પેજ પર લઈ જશે તેની લિંક આપણે જોઈ શકીએ છીએ.
QR કોડમાં જે ચોકઠાંની પેટર્ન જોવા મળે છે તે બાઇનરી કોડની પેટર્ન દર્શાવે છે, કોડ સ્કેનર એ પેટર્ન ચોક્કસ કયો ડેટા દર્શાવે છે તે તારવી શકે છે. સ્ટાન્ડર્ડ કોડમાં ત્રણ ખૂણે મોટાં ચોકઠાં હોય છે, તેનાથી સ્કેનર ‘સમજે’ છે કે આ ત્રણ ચોકઠાં વચ્ચે જે કંઈ છે એ QR કોડ છે.
Microsoft એ આપી Warning, તમારા PC ને આજે જ Update કરો નહિતર આ Problem થઇ શકે..
આપણે કાળાં-ધોળાં ચોકઠાંવાળા કોડ વધુ જોઈએ છીએ, પણ ઇન્ટરનેટ પરની ઘણી સર્વિસ કલરફુલ QR કોડ બનાવવાની સગવડ પણ આપે છે. આપણે કોડની મધ્યમાં પોતાની કંપનીનો લોગો પણ મૂકી શકીએ છીએ. મોટા ભાગના કોડ એ રીતે જનરેટ થયા હોય છે કે તેનો ૩૦ ટકા જેટલો ભાગ દૂર કરવામાં આવે તો પણ સ્કેનર આપણને સાચી લિંક પર દોરી જાય. આથી ઘણા કોડમાં આખા કોડનો ૩૦ ટકા હિસ્સો રોકે એવડો લોગો પણ મૂકી શકાય છે. ઘણી ખરી ફ્રી સર્વિસ જેપીઇજી ફોર્મેટમાં લો-રેઝોલ્યુશનનો કોડ જનરેટ કરે છે, પણ ઘણી સર્વિસ વેક્ટર, પીડીએફ અને ઇપીએસ ફોર્મેટમાં કોડ જનરેટ કરે છે, તેને ઇચ્છીએ એટલા મોટા કરતાં પણ તેના પિક્સેલ ફાટતા નથી!