100 બેડ ઓક્સિજન સાથેના ઉભા કરાશે અને જરૂર પડ્યે તેની સંખ્યા વધારી 200 કરશે.
રાજકોટમાં રોજ કોરોનાના કેસ અને તેના કારણે થતાં મૃત્યુમાં વધારો થઈ રહ્યો છે. જેથી શહેરની લગભગ દરેક હોસ્પિટલો બહાર દર્દીઓ અને તેના પરિવારજનો કતારમાં ઉભા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં અત્યારે જેટલા દર્દીઓ દાખલ છે એટલા જ દર્દીઓ દાખલ થવા માટે લાઈનમાં ઉભા હોવાથી અત્યંત બિહામણા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. અનેક પ્રયત્નો છતાં સિવિલમાં બેડની અછત દૂર થતી ન હોવાથી હવે હોસ્પિટલની પાછળ આવેલા ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ડોમમાં ઓક્સિજન સાથેના 100 બેડ મૂકવા નિર્ણય લેવામાં આવ્યો છે. જેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તેમજ જરૂર પડ્યે 200 બેડની સુવિધા કરાશે.
સામાન્ય લક્ષણો ધરાવતાં દર્દીઓને સારવાર અપાશે
આ અંગે જાણવા મળતી વગતો મુજબ સિવિલમાં અત્યારે એક પણ બેડ ઉપલબ્ધ ન હોવાને કારણે એમ્બ્યુલન્સની લાઈન વધતી જઈ રહી છે. જેના કારણે પરિસ્થિતિ બદથી બદતર થઈ રહી છે અને કોઈ પણ ભોગે લાઈનમાં ઉભા દર્દીઓને દાખલ કરી શકાય તેવી શક્યતા ન હોવાથી હવે ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં જ બેડ ઉભા કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. પ્રારંભિક તબક્કે 100 જેટલા ઓક્સિજન બેડ ઉભા કરવામાં આવશે અને ત્યાં સામાન્ય લક્ષણો ધરાવતાં દર્દીઓને સારવાર અપાશે બે દિવસમાં કામગીરી પૂર્ણ થશે.
સ્વજનો માટે ચૌધરી હાઈસ્કૂલના રૂમ ખોલવામાં આવશે
જો દર્દીની સ્થિતિ વધુ ગંભીર જણાશે તો તેને સિવિલ અથવા સમરસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. આ માટે જરૂરી મંડપ સહિતની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને સંભવત: એકાદ-બે દિવસમાં તે કામ પૂર્ણ થઈ ગયા બાદ સારવાર આપવાનું શરૂ કરી દેવામાં આવશે. પ્રારંભે 25 બેડ ઉભા કરવામાં આવી રહ્યાં છે અને જરૂર પડ્યે તેની સંખ્યા 200 કરવામાં આવશે. આમ હવે સિવિલની સાથે સાથે ચૌધરી હાઈસ્કૂલનું ગ્રાઉન્ડ પણ હોસ્પિટલમાં ફેરવાય જશે. સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા માટે રોજ દર્દીઓ સાથે તેના સ્વજનો પણ આવી રહ્યાં છે. પરંતુ કલાકો સુધી વારો ન આવતો હોવાને કારણે તેમણે લાઈનમાં જ ઉભું રહેવું પડે છે. અનેક દર્દીઓના સ્વજનો રાત્રે ત્યાં જ સૂઈ જતાં હોવાનું ધ્યાન પર આવતાં હવે સ્વજનો માટે ચૌધરી હાઈસ્કૂલના રૂમ ખોલવામાં આવશે. સાથે સાથે ભોજન, પાણી સહિતની પણ વ્યવસ્થા કરવામાં આવશે.