કેનેડાની ફેડરલ સરકારે ભારત અને પાકિસ્તાનમાં ઝડરપભેર વધી રહેલા કોરોનાના કેસને કારણે આ બંને દેશોમાંથી આવતી તમામ કમર્શિયલ અને પ્રાઈવેટ ફ્લાઇટ્સ પર ગુરુવારથી 30 દિવસ માટે પ્રતિબંધ મૂકી દીધો છે.
ભારત-પાક.થી આવતા પેસેન્જરોમાં મોટા ભાગના કોરોના પોઝિટિવ હોવાનો દાવો
ટ્રાન્સપોર્ટ મંત્રી ઓમર અલઘાબરાએ એક વર્ચ્યુઅલ પ્રેસ-કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે કેનેડા સરકાર આ હંગામી પ્રતિબંધ ભારત અને પાકિસ્તાનથી આવનારી ફ્લાઈટ્સ માટે મૂકી રહી છે, કેમ કે બંને દેશઓમાંથી આવતા મુસાફરોમાંથી મોટા ભાગના લોકો કોરોના પોઝિટિવ હોય છે, એવું ટેસ્ટ દરમિયાન જોવા મળે છે.
ટ્રાન્સપોર્ટમંત્રીના કહેવા પ્રમાણે, ભારત અને પાકિસ્તાનમાંથી કેનેડા પહોંચતા એર પેસેન્જર્સમાંથી મોટી સંખ્યામાં મુસાફરો ટેસ્ટ દરમિયાન કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે ટ્રાન્સપોર્ટ મંત્રીએ એરમેન અથવા NOTAMને આ બંને દેશોમાંથી ડાઇરેક્ટ પેસેન્જર એર ટ્રાફિક રોકવા નોટિસ પણ ઈસ્યુ કરી છે.
જરૂર પડ્યે કેનેડાની સરકાર અન્ય દેશોમાંથી આવતી ફ્લાઇટ્સ પર પણ પ્રતિબંધ મૂકી શકે છે.
ઇન્ડાઇરેક્ટ રૂટથી કેનેડા પહોંચશે તેમણે છેલ્લા ડિપાર્ચર વખતનો નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે
આ ઉપરાંત જો ભારત અને પાકિસ્તાનથી મુસાફરો કોઈ ઇન્ડાઇરેક્ટ રૂટથી પણ કેનેડા આવી રહ્યા છે તો તેમણે નેગેટિવ આરટી-પીસીઆર ટેસ્ટ દર્શાવવાનો રહેશે, જે નેગેટિવ ટેસ્ટ તેઓ છેલ્લે જ્યાંથી ડિપાર્ચર થયા હોય એ સ્થળે કરાવેલો હોવો જોઈએ. ઇન્ડાઇરેક્ટ રૂટથી કેનેડા પહોંચનારા લોકોએ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે, જેમાં તેમણે અન્ય કોવિડ ટેસ્ટ કરાવવાના રહેશે તેમજ ડેઝિગ્નેટેડ સરકારી હોટલમાં ટેસ્ટનો રિપોર્ટ આવે ત્યાં સુધી રોકાવું પડશે.
અલઘાબરાએ કહ્યું હતું કે કોરોનાના કેસોની જે રીતે સંખ્યા વધી રહી છે એ જોતાં જરૂર પડ્યે કેનેડાની સરકાર અન્ય દેશોમાંથી આવતી ફ્લાઈટ્સ પર પણ પ્રતિબંધ મૂકી શકે છે.
આરોગ્ય-નિષ્ણાતોને કોવિડ-19 અંગે ડેટા મેળવવામાં પ્રતિબંધથી મદદ મળશેઃ આરોગ્યમંત્રી
દરમિયાન કેનેડાના આરોગ્યમંત્રી પેટ્ટી હાજડુએ કહ્યું હતું કે આ હંગામી પ્રતિબંધને કારણે કેનેડાના પબ્લિક હેલ્થ એક્સપર્ટ્સને મહામારી અંગેનો વધુ ડેટા મેળવવામાં મદદ મળશે. તેમણે કહ્યું હતું કે અમે ભારત અને પાકિસ્તાનના નાગરિકો પ્રત્યે સંવેદના ધરાવીએ છીએ, પરંતુ અત્યારના મહામારીના મુશ્કેલ સમયમાં ટેસ્ટ અને ક્વોરન્ટીન અંગેનાં પગલાં ઉઠાવવા પણ એટલાં જ આવશ્યક છે, જે સૌના માટે હિતકારી છે.