અમેરિકન મલ્ટિનેશનલ કંપની ફાઇઝર (Pfizer Corona virus Vaccine) એ ગુરુવારે જણાવ્યું હતું કે તેણે ભારતમાં સરકારના રસીકરણ કાર્યક્રમ માટે તેની રસીઓને નફા વિના ઉપલબ્ધ કરાવવાની ઓફર કરી છે. કંપનીએ કહ્યું છે કે દેશમાં રસીઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સરકાર સાથે મળીને કામ કરવા પ્રતિબદ્ધ છે.
કંપનીએ એમ પણ કહ્યું હતું કે રોગચાળા દરમિયાન તે Pfizer-BioNTech COVID-19 mRNA વેક્સીન માત્ર સરકારી કરાર દ્વારા જ સપ્લાય કરશે.
Pfizerના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “દેશમાં સરકારના રસીકરણ કાર્યક્રમમાં Pfizer અને BioNTech વેક્સીન ઉપલબ્ધ કરાવીને સરકાર સાથે કામગીરી ચાલુ રાખવા માટે કંપની સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.” નિવેદનમાં કહેવામાં આવ્યું છે Pfizer સરકારના રસીકરણ કાર્યક્રમમાં સંપૂર્ણ સહકાર આપશે અને કોવિડ -19 રસી ફક્ત સરકારના કરાર દ્વારા ઉપલબ્ધ કરાવશે.
Pfizerએ એમ પણ કહ્યું હતું કે તે આ રસીને લાભકારક કિંમતે ઉપલબ્ધ કરાવશે. જોકે કંપનીએ તે જણાવ્યું ન હતું કે આ રસીનું લાભકારક મૂલ્ય શું હશે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની વિશ્વના વિવિધ દેશોને સમાન અને પોષણક્ષમ દરે રસી પૂરી પાડવા પ્રતિબદ્ધ છે.