રાજ્યના મુખ્યમંત્રી (CM)નો મોટો નિર્ણય
આવકના પ્રમાણ પત્ર માટે ધક્કા નહિ
તલાટી મંત્રી જ ડિજીટલી કાઢી આપશે પ્રમાણ પત્ર
મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્ય સરકારના વિવિધ વિભાગોની યોજનાઓનો લાભ મેળવવામાં એકસૂત્રતા જળવાય તે માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી (CM)ના આ નિર્ણય અનુસાર રાજ્યમાં ‘ડિજીટલ ગુજરાત’ અન્વયે આવકના જે પ્રમાણપત્રો ગ્રામ્ય કક્ષાએ તલાટી-કમ-મંત્રી દ્વારા ઇ-ગ્રામ વિશ્વગ્રામ કેન્દ્ર પરથી કાઢી આપવામાં આવે છે તેની સમયમર્યાદા હવે 1 વર્ષથી વધારીને ત્રણ વર્ષની કરવામાં આવી છે.
જનહિતકારી નિર્ણય
મુખ્યમંત્રી (CM) પટેલના આ જનહિતકારી નિર્ણયને પરિણામે રાજ્યના ગ્રામ્ય વિસ્તારના લાખો લાભાર્થીઓને હવે વિવિધ સરકારી યોજનાઓના લાભ મેળવવાની સરળતા થશે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આવકના પ્રમાણપત્રો ઇસ્યુ થયા તારીખથી ત્રણ વર્ષ માટે ગ્રાહ્ય રાખવામાં આવે છે.
રાજ્યના અન્ય વિભાગોની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા લાભાર્થીઓને દર વર્ષે આવકનું પ્રમાણપત્ર લેવું પડતું હોય છે.
ઈ-ગ્રામ કેન્દ્રો પરથી અપાશે
મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્રભાઇ પટેલે આ સમસ્યાનું નિવારણ લાવતાં હવે તલાટી કમ મંત્રી દ્વારા ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો પરથી આપવામાં આવતા આવકના પ્રમાણપત્રોની અવધિ પણ ૧ વર્ષથી વધારીને ત્રણ વર્ષની કરવાનો નિર્ણય કર્યો છે.
આવકના પ્રમાણ પત્રથી મુક્તિ
તદઅનુસાર, હવેથી રાજ્યના લાભાર્થીઓને દર વર્ષે નવા આવક પ્રમાણપત્ર મેળવવાથી મુક્તિ મળશે અને એક જ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે નહિ.
આ અંગેના જરૂરી આદેશો રાજ્યના પંચાયત વિભાગે બહાર પાડયા છે.