ભારતમાં રમાતી કેટલીક પોપ્યુલર ગેમ્સ પર ફરીથી પ્રતિબંધ મુકાય તેવી શક્યતા છે. પીએમ મોદીને કેટલીક ગેમ્સને બેન કરવા માટેની ભલામણ કરતો પત્ર મોકલવામાં આવ્યો છે. આ પત્ર એડીજે નરેશ કુમાર લાકાએ લખ્યો છે. પીએમને લખવામાં આવેલા પત્રમાં “PUBG India” અને ગરેના ફ્રી ફાયર (Garena Free Fire) જેવી ગેમ્સ પર પ્રતિબંધ મુકવાની માંગ કરવામાં આવી છે.
ભારતમાં ઓનલાઇન ગેમ્સએ ઘણા બાળકોના જીવ લીધા છે તેવામાં લાકાએ પત્રમાં લખ્યુ છે કે, બેટલ રોયલ ગેમ્સ બાળકો પર ખરાબ પ્રભાવ પાડે છે. તેમણે આ પત્રમાં પબજી બેન કર્યા બદલ સરકારના વખાણ પણ કર્યા હતા. તેમણે વધુમાં લખ્યુ કે, હાલમાં બે ગેમ Garena Free Fire અને PUBG India એવી છે જે બાળકોના વિકાસ પર વિપરીત અસર કરે છે.
બાળકો ઓનલાઇન ગેમ્સ રમવામાં એટલો સમય વ્યતિત કરે છે કે જેનાથી તેમનું સામાન્ય જીવન અસ્ત-વ્યસ્ત થઇ જાય છે. તે બાળકોના પરિવાર અને તેમના સામાજીક વ્યવહારને પ્રભાવિત કરે છે. આઉટ ડોર ગેમ્સ રમવાની જગ્યાએ આખો દિવસ ઓનલાઇન ગેમ્સ રમવાથી બાળકોના શારીરીક વિકાસ પર તો અસર થાય છે. આખો દિવસ ફોન અને કોમ્પ્યુટરમાં જોવાના કારણે આંખો પણ ખરાબ થાય છે.
તમને જણાવી દઇએ કે, લોકપ્રિય ગેમ PUBG ને ભારત સરકારે બેન કરી દીધી હતી. ગલવાન ઘાટીની ઘટના બાદ સરકારે ચીનની કેટલીક એપ્સ પર પ્રતિબંધ મુકી દીધો હતો જેમાં PUBG પણ સામેલ હતી. જ્યાર બાદ ગેમ ડેવલપર ક્રાફ્ટાને હાલમાં જ દેશમાં બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા અથવા બીજીએમઆઇના રૂપમાં PUBG ને ફરીથી લોન્ચ કરી છે.