આખરે આ ‘લવ જેહાદ’ એટલે શું?
LOVE અંગ્રેજી ભાષાનો શબ્દ છે જેનો અર્થ પ્રેમ થાય છે અને જેહાદ અરબી ભાષાનો શબ્દ છે જેનો અર્થ સંઘર્ષ કે પ્રયાસ કરવો એમ થાય. જેહાદ શબ્દનો એક અર્થ સારા સમાજ માટે સંઘર્ષ કરવો એમ પણ થાય છે. આમ, કથિત લવ જેહાદ શબ્દ બે અલગ અલગ ભાષાના શબ્દોમાંથી બનાવવામાં આવ્યો છે.
બિઝનેસ સ્ટાન્ડર્ડના એક અહેવાલ અનુસાર ‘લવ જેહાદ’ એ એક બિનઆધિકારિક ટર્મ છે. આ અહેવાલ પ્રમાણે રેડિકલ હિંદુ ગ્રૂપ દ્વારા મુસ્લિમ યુવકો દ્વારા હિંદુ યુવતીઓને પ્રેમમાં ફસાવી તેમનું ધર્માંતરણ કરાવવા માટેના કથિત કૅમ્પેનને આ નામ અપાયું છે.
ગુજરાત વિધાન સભામાં 8મા સત્રમાં 15 જેટલા વિધેયકો રજૂ કરાયા હતા. જે પૈકી અગાઉ વિધાનસભા સત્રમાં મંજૂર થયેલ 7 વિધેયકો પ્રસિદ્ધ થયા બાદ વધુ 8 બીલોને રાજ્યપાલે મંજૂરી આપી દીધી છે. આ 8 બીલોમાં એક બીલમાં લવ જેહાદના કાયદાનો પણ સમાવેશ થાય છે. છેલ્લા બજેટ સત્રમાં લવ જેહાદના કાયદા માટે મુકવામાં આવ્યું હતું. જેને રાજ્યપાલે મંજૂરીની મહોર મારતાં હવે કાયદો બની ગયો છે.
રાજ્ય સરકારે 14મી ગુજરાત વિધાનસભાના 8મા સત્રમાં આવા લગભગ 15 જેટલા વિધેયકો રજૂ કરાયા હતા. હવે રાજ્ય સરકારના તમામ 15 વિધેયકો કાયદા બની ગયા છે. હવે ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કરાવનારાઓ માટે ગુજરાતમાં કડક કાયદા લાગુ થઈ ગયા છે.
આ કાયદાઓને રાજ્યપાલ દ્વારા અપાઈ મંજૂરી
રાજ્યપાલ દ્વારા આજે મંજૂરી આપવામાં આવી તેમાં ગુજરાત વ્યવસાયિક તબીબી શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ (પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ) બાબત સુધારા વિધેયક 2021, ગુજરાત પંચાયત સુધારા બિલ 2021, ગુજરાત અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકતની તબદિલી પર પ્રતિબંધ મુકવા તથા તે વિસ્તારોમાંની જગ્યામાંથી ભાડૂતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઈ સુધારા બાબત, ગુજરાત ફ્રિડમ ઓફ રિલિજીયન (સુધારા) વિધેયક 2021 ( લવ જિહાદ બાબતનું બિલ), ગુજરાત ખાનગી યુનવર્સિટી સુધારા બિલ, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ વિધેયક અને ફોજદારી કાર્યરિતી (ગુજરાત સુધારા) બીલનો સમાવેશ થાય છે.
લવ જિહાદ કાયદામાં આ કરાયા છે સુધારાઓ
ગુજરાત ફ્રીડમ ઓફ રીલિજીયન (સુધારા) વિધેયક, 2021માં આ બાબતમાં સુધારો રજૂ કરાયો છે. પહેલાં ગુજરાત ફ્રીડમ ઓફ રીલિયન એક્ટ 2003 અમલમાં હતું. જે મુજબ જ્યારે કોઈપણ વ્યક્તિ ધર્મ પરિવર્તન કરવા ઈચ્છે ત્યારે કરતાં પહેલાં મેજીસ્ટ્રેટની પૂર્વ પરવાનગી લેવાની આવશ્યક બનાવી હતી. જે પછી હાલમાં લગ્ન જીવનની લાલચ આપીને ધર્મપરિવર્તનો વધી જતાં જિલ્લા મેજિસ્ટ્રેટની પૂર્વ પરવાનગી વિના ધર્મપરિવર્તનો થઈ રહ્યા હતા. અને આંતરધર્મ લગ્નો પછી મુશ્કેલીઓ વધી રહી હતી. લવજેહાદના આ વધી રહેલા દૂષણોને અટકાવવા કેટલાક સુધારા જરૂરી જણાતાં કેટલીક કડક જોગવાઈ સાથેનું સુધારા બીલ રજૂ થયું હતું. જેને રાજ્યપાલ દ્વારા મંજૂરીની મહોર લગાવી દેવાઈ છે.