Surat, વલસાડ, ડાંગ, તાપી, દાહોદ સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મંગળવારે રાત્રે અને કેટલાક વિસ્તારોમાં આજે બુધવારે દિવસ દરમિયાન પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ Surat જિલ્લાના કીમમાં ૫ ઈંચ વરસાદ પડતા નિચાણવાળા વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિકજામના દૃશ્યો પણ સર્જાયા હતા.
આ સિવાય વલસાડ જિલ્લાના વાપી અને પારડીમાં સવા બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
આ ઉપરાંત ડાંગના આહવામાં ૨ ઈંચ, સાપુતારા અને વલસાડના ઉમરગામમાં ૧.૮ ઈંચ તેમજ સુબીર તાલુકામાં ૧ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. Suratના કીમમાં રાત્રિથી બીજા દિવસે છ વાગ્યા સુધી પાંચ ઇંચ વરસાદ ખાબકતા લોકોને દિનભર વરસાદી માહોલનો અહેસાસ થયો હતો. કામરેજમાં બે ઇંચ, ઓલપાડમાં એક ઇંચ, માંગરોલમાં દોઢ ઇંચ, ઉમરપાડામાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સતત વરસાદી પાણીથી ઉપરોકત વિસ્તારોમાં જનજીવન ખોરવાઇ ગયું હતુ.
વલસાડ જિલ્લામાં બુધવારે બપોરે ૪-૦૦ વાગ્યા સુધીના વિતેલા ૯ કલાકમાં સૌથી વધુ વાપીમાં ૨.૩૨ ઇંચ, પારડી ૨.૨ ઇંચ, ઉંમરગામ ૧.૮ ઇંચ, વલસાડ, ધરમપુર અને કપરાડામાં અડધો ઇંચ વરસાદ થયો હતો. ડાંગ જિલ્લામાં બાવીસ કલાક દરમિયાન આહવા તાલુકામાં ૨.૧ ઈંચ અને ગિરીમથક સાપુતારા ખાતે ૪૫ મીમી વરસાદ નોંધાયો હતો. વડોદરા શહેરમાં ૧૦ મીમી અને આજે સવારે ૬ કલાકથી સાંજના ૬ કલાક દરમિયાન ૨ મીમી મળીને ૨૪ કલાકમાં અડધો ઈંચ વરસાદ ઔપડયો હતો.
મંગળવારે રાત્રે મેઘરાજા મહેરબાનઃ રામોલમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો
અમદાવાદમાં લાંબા વિરામ પછી મેઘરાજા મંગળવારે રાત્રે ફરીથી મહેરબાન થયા હતા અને મંગળવારે રાત્રે વાવાઝોડા સાથે મેઘરાજાનું પુનઃ આગમન થવાને લીધે શહેરીજનોને અસહ્ય બફારો અને ઉકળાટમાંથી રાહત મળી હતી. શહેરના રામોલમાં સૌથી વધુ ૭૬.૪૨ મિ.મિ. (૩ ઈંચથી વધુ), નિકોલમાં ૬૦ મિ.મિ., સહિત પૂર્વ ઝોનમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. શહેરમાં સરેરાશ ૨૫.૭૭ મિ.મિ. એટલેકે એક ઈંચથી વધુ વરસાદ પડયો છે અને અત્યાર સુધીમાં મોસમનો કુલ ૧૮ ઈંચથી વધુ (૪૫૧.૧૮ મિ.મિ.) વરસાદ નોંધાયો છે. મંગળવારે રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યા પછી બુધવારે મેઘરાજાએ હાથ તાળી દીધી હતી.
સામાન્ય રીતે અમદાવાદમાં મોસમનો કુલ ૩૦ ઈંચ વરસાદ વરસે છે. આમ ચાલુ વર્ષે હજુ અમદાવાદમાં ૧૨ ઈંચ જેટલા વરસાદની ઘટ હોવાનું માનવામાં આવે છે. શહેરમાં ઓગસ્ટ મહિનાના પ્રારંભથી જ વરસાદે વિરામ લીધો હતો અને એક પખવાડિયાથી વધુ બ્રેક લીધા પછી મંગળવારે રાત્રે મૂશળધાર વરસાદ તૂટી પડતાં ઠેર ઠેર પાણી ભરાવાને કારણે રાત્રે બહાર નીકળેલા શહેરીજનો, વાહનચાલકો પરેશાન થયા હતા. શહેરના મુખ્ય માર્ગો, અને રસ્તાની બાજુ પરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
ગુજરાતમાં આગામી બે દિવસમાં વરસાદની સંભાવના
હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગની યાદી અનુસાર તા.૧૯ના રોજ દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તેમજ દમણ અને દાદરા નગર હવેલી, ઉત્તર ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં તેમજ દિવમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
Sarangpur કષ્ટભંજન દાદા નો રહસ્યમય ઈતિહાસ, જાણો મૂર્તિની અજાણી વાતો
તા.૨૦ના રોજ મોટાભાગના જિલ્લાઓ ઉપરાંત દમણ, દાદરા-નગર હવેલી, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ તેમજ દિવમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ૧૯મીએ ડાંગ અને વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, નર્મદા, છોટા ઉદેપુર, નવસારી, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે.
Surat માં સબસ્ટેશન ખોટકાતા ૧૦૦ ગામમાં વીજળી ડૂલ, ૫૦૦ ફેકટરી બંધ
Surat માં વરસાદને કારણે વડોલી, મીંઢી, મંદ્રોઇ, ખરચ-૧ અને ખરચ-૨ ૬૬ કે.વી. સબસ્ટેશન ખોટકાઇ જતા મોડી રાત્રે બે વાગ્યાથી ૧૦૦ જેટલા ગામડાંઓ તેમજ ૫૦૦ જેટલી ફેકટરીઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.