Twitter પર ૫૦ સૌથી વધુ પ્રભાવશાળી લોકોની સૂચિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બીજા નંબરે છે. પહેલા સ્થાન પર અમેરિકી સિંગર ટેલર સ્વિફટ છે. કન્ઝયૂમર ઈન્ટેલિજન્સ કંપની બ્રાન્ડવોચે વાર્ષિક રિસર્ચના આધારે આ યાદી તૈયાર કરી છે. જેમાં પીએમ મોદીને Twitter પર બીજા સૌથી પ્રભાવશાળી વ્યકિત તરીકે રજુ કરાયા છે. એટલે કે Twitter પર તેમની આગળ વૈશ્વિક સ્તરે પણ કોઈ નેતા ટકી શકયા નથી.
આ યાદીમાં સચિન તેંડુલકરનું નામ પણ સામેલ છે. રસપ્રદ વાત એ છે કે યાદીમાં સચિને અમેરિકી એકટર ડ્વેન જહોનસન, લિયોનાર્ડો ડિક્રેપ્રિયો અને અમેરિકાની પૂર્વ પ્રથમ મહિલા મિશેલ ઓબામા સહિત અનેક હસ્તિઓને પાછળ છોડ્યા છે. કંપનીએ કહ્યું કે સચિન સતત નબળા વર્ગ માટે અવાજ ઉઠાવતા રહ્યા છે. આ ઉપરાંત તેમના સહયોગી બ્રાન્ડના પ્રાસંગિક પ્રભાવશાળી અભિયાનના પગલે તેમની ફેન ફોલોઈંગ પણ ખુબ વધી છે.
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન, રાજયસભા સાંસદ રહી ચૂકેલા સચિન એક દાયકા કરતા વધુ સમયથી યુનિસેફ સાથે જોડાયેલા છે અને તેમને ૨૦૧૩માં દક્ષિણ એશિયાના રાજદૂત તરીકે નિયુકત કરાયા હતા. સચિન તેંડુલકરે ગ્રામીણ અને શહેરી ભારત બનેમાં સ્વાસ્થ્ય, શિક્ષણ અને ખેલ સંલગ્ન અનેક પહેલોનું સમર્થન કર્યું છે. ક્રિકેટની વાત કરીએ તો સચિને એવા અનેક રેકોર્ડ બનાવ્યા છે જેનું તૂટવું અશકય જ લાગી રહ્યું છે.
Time Magazine List : દુનિયાના 100 પ્રભાવશાળી લોકોમાં PM Modi, મમતા અને CEO પૂનાવાલાનો સમાવેશ
‘બ્રાન્ડવોચ’ની આ યાદીમાં પ્રિયંકા ચોપડાના પતિ નિક જોનાસ, નિકી મિનાઝ, બેયોન્સે, લુઈસ ટોમલિન્સન, બ્રુનો માર્સ, લિયામ પાયને અને તાકાફુમી હોરીને પણ સામેલ કરાયા છે. મળતી માહિતી મુજબ આ યાદીમાં ૬૧ ટકા પુરુષો છે જયારે ૩૯ ટકા મહિલાઓ છે. યાદીમાં ૬૭ ટકા લોકો અમેરિકાથી જયારે ૧૩ ટકા લોકો બ્રાઝિલથી છે.