જો કોઈ એપલ (Apple)નો તાજેતરમાં લૉંચ થયેલો અને iOS 15.0.2 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતો iPhone 13 ચપટી વગાડતા હેક કરી લે તો તમે તેને શું કહેશો? સ્વાભાવિક રીતે તેને સૌથી મોટો હેકર (Big Hacker) જ કહેવો પડે. હવે જેમની પાસે દુનિયાનો સૌથી મોંઘો ફોન છે તે લોકો જરૂર વિચારમાં પડી જશે કે આટલી કિંમત ખર્ચવા છતાં તેમનો ફોન કેવી રીતે હેક થઈ શકે?
પરંતુ આ કોઈ ફેક ન્યૂઝ નહીં પરંતુ ચીનના હેકરે (chinese hackers hack iPhone 13 pro in 15 seconds) હકીકતમાં આઇફોન 13ને હેક કરીને બતાવ્યો છે. ચીનના એક જાણીતા હેકરે ફક્ત 15 સેકન્ડમાં 15.0.2 iOS પર ચાલતા આઇફોન 13ને હેક (iPhone 13 Pro hack) કરીને બતાવ્યો છે. ઉલ્લેખનીય છે કે એપલ તરફથી થોડા દિવસ પહેલા જ iOS 15.0.2 રજૂ કરવામાં આવી છે. એપલ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે તેણે આ ઓપરેટિંગ સિસ્ટમમાં સુરક્ષાને લગતી તમામ સમસ્યાનું સમાધાન લાવી દીધું છે.
હકીકતમાં ચીનના ચેંગડુમાં તિએનફુ કપનું આયોજન કરાયું હતું. આ કપ દર વર્ષે યોજાય છે. આ કપમાં ચીનના દરેક ખૂણામાંથી હેકર આવે છે અને પોતાનું કૌશલ્ય બતાવે છે. આ વખતે ચીનના હેકરે એવો કરીશ્મા કરી બતાવ્યો કે મોટી મોટી ટેક કંપનીઓના હોંશ ઉડી ગયા હતા.
ફક્ત 15 સેકન્ડમા iPhone 13 હેક કર્યો
કુનકુન લેબની એક ટીમે આઈફોન 13 પ્રોને ફક્ત 15 સેકન્ડમાં હેક કરીને બતાવ્યો હતો. આ લેબના સીઈઓ કિહૂ 360 (Qihoo 360) પૂર્વ સીટીઓ છે. ટીમે સફારી બ્રાઉઝરની મદદથી સ્માર્ટફોનને હેક કરી બતાવ્યો હતો. ખાસ વાત તો એ છે કે તેમણે ફક્ત એક વખત નહીં, બે વખત આઇફોનને હેક કરીને બતાવ્યો હતો.
કુનકુન લેબના સીઈઓએ ઇવેન્ટ દરમિયાન ફોનને 15 સેકન્ડમાં હેક કરીને જરૂર બતાવ્યો પરંતુ આ માટે તેમણે અનેક દિવસોની તૈયારી કરી હતી. જોકે, આ ગ્રુપે એ વાત જાહેર નથી કરી કે તેમણે સૌથી મોંઘા અને સુરક્ષિત ફોનને કઈ રીતે હેક કર્યો હતો. કુનકુન લેબ ઉપરાંત ટીમ પાન્ગૂએ પણ આઈફોન 13ને હેક કરીને બતાવ્યો હતો. આ સ્પર્ધામાં ચેમ્પિયન રહેલી ટીમને ત્રણ લાખ ડૉલરનું ઇનામ મળ્યું હતું.
25 ઓક્ટોબરે લોન્ચ થઈ શકે છે iOS 15.1, જેમાં તમને મળશે અનેક નવા ફીચર્સ, જાણો….
એવું કહેવામાં આવે છે કે બંને ટીમ બહુ ઝડપથી એપલને એવી જાણકારી આપશે કે તેમણે આઈફોનને કેવી રીતે હેક કર્યો હતો. બંને ટીમ આઈફોનના 15.0.2 સૉફ્ટવેરમાં જે ખામી છે તેના વિશે કંપનીને માહિતી આપશે. એવું પણ કહેવામાં આવે છે કે એપલ બહુ ઝડપથી સુરક્ષામાં રહેલી આ ખામીને દૂર કરી દેશે.