FMCG કંપનીઓએ કાચો માલ મોંઘો થતા ભાવ યથાવત રાખ્યા પણ પેકેટનું વજન ઓછું કરી નાખ્યું : નમકીન, બિસ્કીટ, ચિપ્સ, વેફર્સ વગેરેમાં ભાવ વધાર્યા વગર માત્રા ઘટાડી એ જ કિંમતે વેંચવાને ફાયદો માન્યોઃ ભાવ વધારે તો માર્કેટ ગુમાવવાનો ભય
મોંઘવારી વધવા છતા પણ ચીપ્સ અને નમકીનના પેકેટ જો તમે જૂના ભાવે જ ખરીદતા હો તો એ ભૂલમાં ના રહેતા કે તે સસ્તા મળી રરહ્યા છે. કંપનીઓ નાના પેકનું વજન ઘટાડીને આપનુ ખીસ્સુ હળવું કરી રહી છે, તો મોટા પેકેટમાં માત્રામાં ફેરફાર ના કરીને વધારે કિંમત વસુલી રહી છે, એટલે કે સંકેત એકદમ સ્પષ્ટ છે કે કાં તો પૈસા વધારે આપો અથવા માલ ઓછો લો. ગ્રાહક કોઈપણ આધાર પર ઉત્પાદન ખરીદે નુકસાન તેના ભાગે જ છે. જો તે વજનના હિસાબે ખરીદે તો તેણે ભાવ વધારે ચૂકવવા પડશે. FMCG કંપનીઓ મોંઘવારીમાં ઝડપી ઉછાળાના કારણે ઉત્પાદનોની પડતરમાં વધારાના કારણે આમ કરવા મજબૂર છે. છેલ્લા એક વર્ષમાં ખાદ્યતેલના ભાવો બમણાથી વધારે વધી ગયા છે તો અન્ય કાચા માલના ભાવો પણ વધવાથી ઉત્પાદનોના ભાવ પર અસર પડી છે.
પેપ્સીકો ઈન્ડીયાના પાંચ અને દસ રૂપિયામાં મળતા લેયઝ અને કુરકુરેના વજનમાં ઘટાડો કરાયો છે. પાર્લે પ્રોડકટ લીમીટેડ પાંચ અને ૧૦ રૂપિયાવાળા બીસ્કીટનું વજન ઘટાડી ચૂકી છે તો ૩૦ અને ૫૦ રૂપિયાવાળા ચીપ્સના વજનમાં પણ ઘટાડો થયો છે તો નમકીન બાબતે ૪૦૦ ગ્રામ અને ૧ કિલોના પેકેટના ભાવમાં વધારો થયો છે. બિકાનોના ડાયરેકટર મનીષ અગ્રવાલે કહ્યું કે હાલમાં ૧૦૦ રૂપિયાવાળા પેકેટનું વજન ઘટાડાયુ છે. તેમનું કહેવુ છે કે પડતરમાં વધારા પછી અમારી પાસે વિકલ્પ બહુ ઓછા છે. પાર્લે પ્રોડકટના માર્કેટીંગ હેડ કૃષ્ણારાય બુદ્ધનું કહેવુ છે કે ભાવ વધારવા અથવા વજન ઘટાડવા સિવાય અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.
ખાદ્ય ઉત્પાદનોના ભાવ આકાશને આંબી રહ્યા છે અને કંઝયુમર પ્રોડકટ બનાવતી કંપનીઓ પોતાનો નફો જાળવી રાખવા વજન પર કાતર મુકી રહી છે.આઇઆઇએફએલ સીકયોરીટીઝના ઉપાધ્યક્ષ અનુજ ગુપ્તાએ જણાવ્યું કે ગયા એક વર્ષમાં મોટાભાગની કોમોડીટીની કિંમોતોમાં મોટો ઉછાળો આવ્યો છે તેના લીધે FMCG કંપનીઓનો ઉત્પાદન ખર્ચ વધ્યો છે. પણ તે ભાવ વધારવાની સ્થિતીમાં નથી કેમ કે કોરોના કારણે બજારમાં મંદી છે. એટલે તે ભાવ વધારીને કોઇ જોખમ લેવા નથી ઇચ્છતા એટલે તેઓ ઉત્પાદનને હળવું કરીને નફો જાળવી રાખવા માંગે છે.
બીસ્કીટ અને નમકીનના નાના પેકેટનું બજાર બહુ મોટું છે.તેમાં પણ પાંચ રૂપિયા અને ૧૦ રૂપિયાના પેકેટના એક અલગ જ ગ્રાહક વર્ગ છે. જેની સંખ્યા વધારે છે એટલે આ શ્રેણીમાં ભાવ વધારવાનું જોખમ કોઇ પણ કંપની નથી લેવા માંગતી આ યોગ્ય લાગે છે. FMCG કંપનીના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે આ શ્રેણીના ઉત્પાદનો ઘણી બધી તૈયારી પછી બજારમાં વધારવામાં આવે તો ફરીથી તેનું બ્રાંડીગ કરવાનો વારો આવે જે સોદો મોંઘો પડે. આ ઉપરાંત તમે કિંમત વધારો અને બીજી કંપની વજન ઘટાડીને એ જ કિંમતે વેચવાનો નિર્ણય કરે તો બજારમાં તમારી ખપત ઘટવાની પણ શકયતા છે. એટલે વજન ઘટાડવું એ એક માત્ર વિકલ્પ અમારી પાસે રહે છે.