માનો કે કલ્પસર (Kalpsar) ડેમનું કામ કાલથી શરૂ થઈ જાય તોપણ એના નિર્માણમાં 20 વર્ષનો સમય લાગે!
90 હજાર કરોડના આ પ્રોજેક્ટમાં ચીન અને દક્ષિણ કોરિયાની કંપનીએ રસ દાખવ્યો છે
કલ્પસર (Kalpsar) યોજના…
આ નામ એવું છે જે અત્યારે 40 કે 50 વર્ષની ઉંમરના હશે તેવા ગુજરાતીઓએ આજથી ત્રણ દાયકા પહેલાં સાંભળ્યું હશે. કલ્પસર (Kalpsar) યોજના બહુ ગાજેલી યોજના છે, પણ કહેવાય છે કે ગાજ્યા મેહ વરસે નહીં, એ હિસાબે ગાજેલી આ યોજના પણ વરસી નથી. ગુજરાતમાં નવ સરકાર બદલાઈ ગઈ તોપણ આ યોજનાનું કામ શરૂ થઈ શક્યું નથી. છેલ્લા ચાર દાયકાથી જેની કલ્પના કરવામાં આવી હતી એ કલ્પસર (Kalpsar) યોજના કલ્પનાતીત બનીને રહી ગઈ છે. આશ્ચર્યની વાત એ છે કે આ યોજના માટે 25 જેટલા સર્વે થયા છે, ત્યાં જ 300 કરોડ રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે!
કલ્પસર (Kalpsar) યોજના કેવી રીતે અમલમાં આવી?
1975માં કલ્પસર (Kalpsar) યોજનાનો પહેલો વિચાર એરિક વિલ્સન નામના યુ.એન.ડી.પી.ના નિષ્ણાતને આવ્યો. તેમને લાગ્યું કે ખંભાતનો અખાત ભરતી અને ઓટજન્ય વીજ ઉત્પાદન માટે ઉત્તમ છે. તેમણે યોજનાનું સ્થળ નક્કી કરી ભાવનગરના ઘોઘાથી દક્ષિણ ગુજરાતના હાંસોટ સુધી 64 કિ.મી. લાંબો ડેમ બાંધી મીઠા પાણીનો સંગ્રહ કરવાની કલ્પના કરી. કલ્પસર (Kalpsar) યોજનાનું મંડાણ “ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના” ડૉ. અનિલ કાણે અને એ જી.એસ.એફ.સીના ચેરમેન મુસા રઝાએ કર્યું. મુસા રઝાને કલ્પસર (Kalpsar)નો વિચાર ખૂબ ગમ્યો. તેમણે યોજનાની પ્રાથમિક તપાસ માટે બે લાખ રૂપિયા ફાળવ્યા.
કલ્પસર (Kalpsar) યોજના શું છે?
ગુજરાતનો નકશો જોશો તો ખ્યાલ આવશે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચે ‘ખાંચો’ પડે છે, જે ખંભાતના અખાત તરીકે ઓળખાય છે. અહીં ગુજરાતની નદીઓનું પાણી દરિયામાં ભળીને વેડફાઈ જાય છે. જો ખંભાતના અખાતમાં બંધ બનાવવામાં આવે તો મોટા પ્રમાણમાં મીઠા પાણીનો સંગ્રહ કરી શકાય અને નદીઓના પાણીને દરિયામાં વહેતું અટકાવી શકાય. કલ્પવૃક્ષ એટલે ઈચ્છા મુજબ ફળ આપનારું ફળ. એવી રીતે કલ્પસર (Kalpsar) એટલે ઈચ્છા મુજબ પાણી આપનારું સરોવર. આ રીતે આ યોજનાનું નામ કલ્પસર (Kalpsar) પડ્યું. આ નામ ડૉ. અનિલ કાણેએ આપ્યું.
દુકાળનું ગ્રહણ લાગ્યું
આના પછી 10 વરસના વહાણાં વહી ગયાં. 1985, ’86 અને ’87નાં ત્રણ વરસ ચોમાસું નબળું રહ્યું. ત્યારે બી. જે. વસોયા નામના સિંચાઈ વિભાગના સચિવ અને ઈજનેરે ભરૂચ અને ભાવનગર વચે પુલ-કમ-પાઈપલાઈનનો રૂપિયા 500 કરોડનો અન્ય પ્રોજેક્ટ સરકાર સમક્ષ મૂક્યો. આ યોજનામાં તેમણે ખંભાતના અખાત પર એક પુલ બનાવવાનું સૂચન કર્યું. આ પુલ ઉપરથી ચાણોદ ગામ પાસેથી નર્મદાનું પાણી પાઈપ મારફત ભાવનગર સુધી પહોંચાડવાની ભલામણ કરી. આ માટે સરકારે શેલત સમિતિ બનાવી. સરકારે નિમેલી શેલત સમિતિનાં તારણોમાં જણાવાયું કે ખંભાતના અખાત પર પુલ બાંધવાનો વિકલ્પ ઘણો સારો છે. પુલના પૈસા ટોલ ટેક્સમાંથી ઊભા થઈ શકે. આમ, ખંભાતના અખાત પર પુલ અને પાઈપલાઈન આધારિત એક યોજનાનો ઉદય અમરસિંહ ચૌધરી અને સનત મહેતાના સમયમાં 1989 થયો. એ સમયે આ યોજનાની સાથે-સાથે કલ્પસર (Kalpsar) યોજના પણ પ્રકાશમાં આવી અને એના પર પણ વિચાર કરવામાં આવ્યો.
કલ્પસર (Kalpsar)ની ફાઈલ પરથી ધૂળ ખંખેરાઈ
એ પછી પાંચ વરસ સુધી ચીમનભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. કલ્પસર (Kalpsar)ની ફાઇલ અભેરાઈ પર ચઢી ગઈ. 1998માં કેશુભાઈ પટેલની સરકાર બની. નવનિર્મિત ભાજપા સરકારે નર્મદાની કેનાલ આધારિત પીવાના પાણી યોજનાને આગળ ધપાવવાની જાહેરાત કરી અને સાથે સાથે એવી જાહેરાત પણ કરી કે અમે કલ્પસર (Kalpsar) યોજનાને આગળ ધપાવીશું. એ સમયે સનત મહેતાએ 700 કરોડની ચાણોદ-ચોટીલા પાઇપલાઇન નાખવા સરકારમાં દરખાસ્ત કરી હતી, પણ 700 કરોડની પાઈપલાઈન મોંઘી લાગી. પછીથી 54 હજાર કરોડની કલ્પસર (Kalpsar) યોજનાને કેશુભાઈની સરકારે મંજૂર કરી! ચીમનભાઈ વખતે કલ્પસર (Kalpsar)ની ફાઈલ પર ધૂળ ચઢી ગઈ હતી એ ખંખેરવામાં આવી.
સરકારમાં નવું મંત્રાલય બનાવવામાં આવ્યું
કેશુભાઈની સરકાર બની એમાં જયનારાયણ વ્યાસ પણ મંત્રી બન્યા. ભાજપ સરકારે કલ્પસર (Kalpsar) યોજનાની જાહેરાત કરવાની નવેસરથી શરૂઆત કરી. નર્મદા જળ સંપત્તિ અને પાણીપુરવઠાની સાથે કલ્પસર (Kalpsar) મંત્રાલયને ઉમેરવામાં આવ્યું અને જયનારાયણ વ્યાસ તેના મંત્રી બન્યા. જયનારાયણભાઈ જે કામ સંભાળે એનો પૂરેપૂરો અભ્યાસ કરે. તેમણે 2018માં પણ ફેસબુક પોસ્ટ લખી હતી અને એમાં સ્પષ્ટ કહ્યું કે કલ્પસર (Kalpsar) એ વર્તમાન સમયમાં શરૂ ના થઇ શકે એવો પ્રોજેક્ટ છે, કારણ કે પાણીના કુદરતી સ્ત્રોત એવા ખંભાતના અખાતમાં એક ભાગમાં બંધ બનાવીને મીઠા પાણીનું સરોવર બનાવવું એ કલ્પના સારી છે પણ એનો અમલ કરવો વર્તમાન સમયમાં શક્ય નથી.
અત્યાર સુધીમાં 25 સર્વે થયા
ગુજરાતના મહાત્ત્વાકાંક્ષી એવા કલ્પસર (Kalpsar) પ્રોજેક્ટ માટે અત્યારસુધીમાં 25 જેટલા સર્વે થઇ ચૂક્યા છે. હજુ 10 સર્વે બાકી છે. આ તમામ સર્વેના રિપોર્ટ તૈયાર થાય. કેન્દ્ર સરકારમાં અભ્યાસ માટે મોકલાયા પછી કામ શરૂ થઇ શકે. અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ અને યુનિવર્સિટીઓ દ્વારા 25 જેટલા સર્વે થઇ ચૂક્યા છે અને એનો રિપોર્ટ પણ તૈયાર થઇ ચૂક્યો છે. સર્વેની પ્રક્રિયા પણ ખૂબ લાંબી હોય છે. કલ્પસર (Kalpsar) યોજના હજુ કાગળ પર જ છે ત્યાં 300 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થઈ ચૂક્યો છે, આ યોજના જ્યારે હાથમાં લેવામાં આવી ત્યારે 54 હજાર કરોડના ખર્ચનો અંદાજ માંડવામાં આવ્યો હતો. હવે આ યોજના અમલમાં આવે તો 90 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થાય.
નવ મુખ્યમંત્રી બદલાયા પણ યોજના શરૂ ના થઈ શકી
1980ના દાયકામાં કલ્પસર (Kalpsar) યોજનાની કલ્પના થઈ. ફાઈલો તૈયાર કરવામાં આવી. સરકારને પણ આ યોજનામાં રસ પડ્યો. જ્યારે આ યોજના અમલમાં આવી ત્યારે માધવસિંહ સોલંકી ગુજરાતના મુખ્યમંત્રી હતા. પછી ચીમનભાઈ પટેલ આવ્યા ત્યારે આ યોજનાની ફાઈલ અભેરાઈ પર ચઢી. એ પછી શંકરસિંહ વાઘેલા અને દિલીપભાઈ પરીખ થોડો સમય મુખ્યમંત્રી રહ્યા, પણ કલ્પસર (Kalpsar) યોજના દબાયેલી રહી. એ પછી ફરીવાર જ્યારે કેશુભાઈ પટેલ 1998માં મુખ્યમંત્રી બન્યા ત્યારે કલ્પસર (Kalpsar) યોજના લાઇમ લાઇટમાં લાવવામાં આવી અને પછી દરેક વખતે ભાજપે મત માટે કલ્પસર (Kalpsar) યોજનાને આગળ ધરી. માધવસિંહ, શંકરસિંહ, દિલીપભાઈ, કેશુભાઈ પટેલ પછી નરેન્દ્રભાઈ મોદી, આનંદીબેન પટેલ, વિજયભાઈ રૂપાણી અને હવે ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. કલ્પસર (Kalpsar) યોજના કાગળ પર આવી ત્યારથી અત્યારસુધીમાં નવ મુખ્યમંત્રી બદલાયા, પણ કલ્પસર (Kalpsar) માત્ર કાગળ પર જ રહી.
કલ્પસર (Kalpsar) યોજના બને તો શું ફાયદા થાય?
કલ્પસર (Kalpsar) યોજના બહુ અદભુત યોજના છે, પણ એ જેટલી ફળદાયી છે એનો અમલ કરવો એટલો જ કઠિન છે. માનો કે આ યોજનાના તમામ સર્વે પૂરા થઇ જાય. કેન્દ્ર સરકારની મંજૂરી મળી જાય અને તરત કામ શરૂ પણ કરી દેવામાં આવે તો કલ્પસર (Kalpsar) ડેમના નિર્માણમાં જ 20 વર્ષનો સમય લાગી જાય તેમ છે!! માનો કે 20 વર્ષ પછી પણ આ યોજના સાકાર થઇ તો ગુજરાત સૌથી વધારે સમૃદ્ધ રાજ્ય થઇ જાય. કારણ કે કલ્પસર (Kalpsar) યોજનાથી ગુજરાતની એક કરોડની જનતાને પાણીનો લાભ મળે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાઇડ્રોલોજીના સર્વેમાં જણાવાયું છે કે જો કલ્પસર (Kalpsar) સાકાર થાય તો એકલી મહી નદીનું જ 3150 મિલિયન ક્યૂબિક પાણી ઠલવાશે. મહી ઉપરાંત સાબરમતી, ઢાઢર, ઘેલો, કાળુભાર, રંગોલા, ઉતાવળી, સુખભાદર અને શેત્રુંજી સહિતની નદીઓનું મીઠું જળ એક જગ્યાએ એકત્ર થશે.
રાજકોટ કરતાં સાત ગણો મોટો ડેમ બને!
કલ્પસર (Kalpsar) ડેમનો ઘેરાવો બે હજાર વર્ગ કિલોમીટરનો હશે. જે રાજકોટ કરતાં સાત ગણો અને અમદાવાદ કરતાં અઢી ગણો મોટો હશે. એની જળ સંગ્રહ ક્ષમતા સરદાર સરોવર કરતાં બમણી હશે. આ ડેમ ઉપર 100 મીટર પહોળો રોડ બનશે અને એના પર 10 લેનનું નિર્માણ થશે. આ 10માંથી 8 લેન વપરાશમાં લેવાશે અને 2 લેન અનામત રખાશે. આ રોડ ભાવનગર અને ભરૂચને જોડશે અને એને કારણે ભાવનગર અને ભરૂચ વચ્ચેનું અંતર 30 કિલોમીટર ઘટી જશે.
હવે ભુપેન્દ્રભાઇ પટેલની છબી ચમકાવવા પાછળ Government નું લાખોનું આંધણઃ યોજનાઓના નામ બદલાશે
ચીન અને દક્ષિણ કોરિયાને રસ
કલ્પસર (Kalpsar) ડેમમાં જે જળજથ્થો હશે એમાંથી સિંચાઈ માટે 5600 મિલિયન કયૂબિક મીટર અનામત, 800 મિલિયન કયૂબિક મીટર ઘરેલુ વપરાશ માટે અને 470 મિલિયન કયૂબિક મીટર જળ જથ્થો ઔદ્યોગિક વપરાશ માટે વપરાશે, એવું અનુમાન છે. કલ્પસર (Kalpsar) પ્રોજેક્ટની સાથે સોલર મદદથી 1000 મેગાવૉટ અને પવન ઊર્જાની મદદથી 1470 મેગાવૉટ ઊર્જાનું ઉત્પાદન થશે. આ પ્રોજેક્ટને કારણે ભાવનગર પોર્ટ ફરી જીવંત બનશે. આ સિવાય સરોવરના વિસ્તારમાં નવું બંદર વિકસાવી શકાશે. આ જાયન્ટ પ્રોજેક્ટમાં ચીનની ત્રણ કંપની અને દક્ષિણ કોરિયાની બે કંપનીએ કોન્ટ્રેકટ લેવામાં રસ દાખવ્યો છે.
ભાડભૂત બેરેજ યોજના શું છે?
કલ્પસર (Kalpsar) યોજનાની વાત આવે ત્યારે ભાડભૂત બેરેજ યોજનાની વાત પણ આવે જ. ઘણા કલ્પસર (Kalpsar) અને ભાડભૂતને એક યોજના માને છે પણ બંને અલગ અલગ પ્રોજેક્ટ છે. હા, એટલું ખરું કે બંને યોજનાનો હેતુ એક જ છે અને લોકેશન પણ એકદમ નજીક નજીક જ છે. વાત એમ છે કે ભરૂચ પાસેથી વહેતી નર્મદા નદીમાં 100 કિલોમીટર સુધી દરિયાના પાણી ભળી ગયા છે. એેને કારણે નર્મદાના પાણીમાં ખારાશ આવી ગઈ છે. નર્મદાના પાણીમાં ભળી ગયેલી ખારાશ દૂર કરવા બેરેજનું નિર્માણ કરવાનું આયોજન થયું. જે નર્મદા નદીના પાણીમાં ભળી ગયેલી ખારાશ દૂર કરીને પાણીને મીઠું બનાવી શકે. આ માટે ભરૂચથી થોડે દૂર ભાડભૂત ગામ નજીક આ યોજનાનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું. એને ભાડભૂત બેરેજ યોજના નામ આપવામાં આવ્યું. 1.6 કિલોમીટર લાંબા આ બેરેજના કારણે 599 મિલિયન કયૂબિક મીટર પાણીનો સંગ્રહ થશે. આ બેરેજમાં 100 જેટલા દરવાજા ફિટ કરવાનું આયોજન છે. ભાડભૂત બેરેજ યોજનાનું કામ શરૂ કરી દેવાયું છે. યાદ રહે, ભાડભૂત બેરેજ યોજના એ કલ્પસર (Kalpsar) પ્રોજેક્ટનો ભાગ નથી. એ સ્વતંત્ર યોજના ગણી શકાય.