રાજકોટમાં અનેક સામાજિક-રાજકીય આગેવાનો ‘ AAP ‘ માં જોડાયાનો દાવો : પાટીદાર મુખ્યમંત્રી પ્રશ્ન અંગે ઈસુદાનનો જવાબ ‘સારો, શિક્ષિત માણસ મુખ્યમંત્રી બનશે, નરેશભાઈનું નામ લીધા વગર ઈસુદાન બોલ્યા – દરેક સમાજને હું મળીશ
પત્રકારત્વમાંથી રાજનીતિમાં ઝંપલાવનાર ઇસુદાન ગઢવી આજે રાજકોટ આવ્યા હતા. પત્રકાર પરિષદમાં ગઢવીએ જણાવ્યું હતું કે, ગુજરાતીઓ ભ્રષ્ટ અને અહમી ભાજપીઓને ફગાવી દેવા સજ્જ થઇ ગયા છે.
આજે રાજકોટમાં અનેક સામાજિક – રાજકીય આગેવાનો ‘AAP’માં જોડાઇ રહ્યાનો દાવો ઇસુદાને કર્યો છે. તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ લોકપ્રિય ન હતો, વિકલ્પના અભાવે ભાજપ ચૂંટાતો રહ્યો છે. હવે ‘AAP’ના રૂપમાં શ્રેષ્ઠ વિકલ્પ ગુજરાતમાં પ્રાપ્ત થયો છે. શ્રી ગઢવીએ કહ્યું હતું કે, આ લડાઇ પદ – પૈસા – પ્રતિષ્ઠાની નથી. ગુજરાતમાં શાસકની નિષ્ફળતાથી કંટાળીને લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.
તેમણે આક્ષેપ કર્યો હતો કે, ગુજરાતમાં ભાજપ – કોંગ્રેસ બંને એક જ છે. સેટીંગથી ભ્રષ્ટ તંત્ર ચાલે છે. આ કારણે લોકોની પરેશાની વધી છે. ગંજાવર સ્કૂલ ફી – હોસ્પિટલોના લાખોના બીલ – જીવન જરૂરી વસ્તુઓના બેફામ ભાવવધારા સામે શાસક અને વિપક્ષ બંને મૌન છે. આવા સેટીંગથી સ્વાભાવિક પણ લોકો કંટાળી જ જાય. ગુજરાતીઓને ‘AAP’માં ભવિષ્ય દેખાઇ રહ્યું છે. આપણી નજર સમક્ષ દિલ્હીમાં કેજરીવાલ સરકાર આદર્શરૂપ ચાલે છે. સામાન્ય માણસને સીધો લાભ થાય તેવી યોજનાઓ અમલમાં છે. ગુજરાતમાં વીજબીલ તોતીંગ છે ત્યારે કેજરીવાલ સરકારની વીજ યોજના શ્રેષ્ઠ છે. સામાન્ય માણસને વીજળી ફ્રી મળે તેવું પ્રાવધાન છે.
ઇસુદાને જણાવ્યું હતું કે, ગુજરાતમાં ‘AAP’ વિશેષ મોડેલ રજૂ કરશે. રણનીતિ ઘડાઇ રહી છે. ગુજરાતમાં સામાન્ય માણસને લાભ મળે તેવી યોજનાઓ અમલમાં આવશે. સુંદર ગુજરાતનું સપનું સાકાર કરીશું.
પાટીદાર સમાજના મોભી નરેશભાઇ પટેલના પાટીદાર મુખ્યમંત્રી અંગેના સવાલમાં ઇસુદાન કોઇ સ્પષ્ટ જવાબ આપી શકયા ન હતા, તેઓએ કહ્યું હતું કે, ભાજપ વિશ્વગુરૂ બનવા જઇ રહ્યો છે. દરેક સમાજને પોતાના નેતા આગળ વધે તેવી આશા હોય, પરંતુ સારો અને શિક્ષિત માણસ મુખ્યમંત્રી બનવો જોઇએ.
નરેશભાઇનું નામ લીધા વગર ઇસુદાને કહ્યું હતું કે, હું દરેક સમાજને મળીશ.