ભગવાન શ્રીકૃષ્ણની Dwarika ક્યાં હતી અને ક્યારે ડૂબી એના કોઈ ચોક્કસ પુરાવા નથી. ઓછામાં ઓછી નવ જગ્યાએ Dwarika નગરી હોવાના દાવા થયાં છે.
ગયા મહિને સંસદીય સમિતિએ સરકારને સૂચન કર્યું છે કે સમુદ્રમાં જળસમાધિ લઈ ચૂકેલી દ્વારકા નગરીના રહસ્યો ઊલેચવા વ્યાપક સંશોધન હાથ ધરવામાં આવે. અદ્યતન સાધન-સામગ્રીનો ઉપયોગ કરી મરિન આર્કિયોલોજિસ્ટ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવે તો ઘણાં નવા રહસ્યો બહાર આવે.
પુરાણોમાં એવો ઉલ્લેખ છે કે મામા કંસનો સંહાર કર્યા પછી કૃષ્ણ અને તેમના મોટાભાઈ બલરામે ઉગ્રસેનને મથુરાનો રાજા બનાવ્યો.
આ ચેષ્ટાથી મગધના રાજા અને કંસના સસરા જરાસંધ ક્રોધે ભરાયો. તેણે કંસના મોતનો બદલો લેવા વારંવાર મથુરા પર ચડાઈ કરી. દરેક વખતે કૃષ્ણ અને તેમના યાદવયોદ્ધાઓએ જરાસંધના હુમલાને મારી હઠાવ્યો. પરંતુ આ વૈમનસ્યને હંમેશ માટે મિટાવી દેવા શ્રીકૃષ્ણે મથુરા છોડી દેવાનો નિર્ણય કર્યો.
તેમણે પશ્ચિમ દિશામાં છેક દરિયાકિનારે દ્વારકા નગરી વસાવી. આ સ્થળનું પ્રાચીન નામ કુશસ્થલી હતું. મહાભારતના યુદ્ધ પછી ૩૬ વર્ષ બાદ દ્વારકા નગરી દરિયામાં ડૂબી ગઈ. આ આપત્તિ વિશે પહેલેથી જાણતા કૃષ્ણએ યાદવોને નજીકના ઊંચાણવાળા પ્રદેશ પ્રભાસ (હાલનું સોમનાથ અને તેની આસપાસનો વિસ્તાર)માં સ્થળાંતર કરી જવા સમજાવ્યા અને એ રીતે યાદવો દ્વારકાથી અન્યત્ર સ્થાળાંતરિત થયા
આ પૌરાણિક વાતો સાથે ઈતિહાસ અને આજનું વિજ્ઞાાન સંમત થાય ખરા? આ પ્રશ્નનો જવાબ આપવો મુશ્કેલ હોય તો ‘ધી લોસ્ટ સીટી ઑફ દ્વારકા’ નામનું ૧૯૯૯માં છપાયેલું પુસ્તક વાંચવું જોઈએ.
૧૯૮૩માં જ્યારે પહેલીવાર એવો દાવો કરવામાં આવ્યો કે અત્યારની Dwarika પાસે સમુદ્રમાં પ્રાચીન Dwarikaના અવશેષો મળ્યા છે, તો મોટાભાગના પરંપરાગત ઈતિહાસકારો અને પુરાતત્ત્વવિદેએ એને કપોળ કલ્પિત માની લીધો પરંતુ ઈતિહાસવિદ્ એસ.આર.રાવની આ પહેલનું મહત્ત્વ ધીરે ધીરે સ્વીકારવા લાગ્યું છે. પહેલી ખેપમાં જે પ્રમાણ મળ્યા, જે અવશેષો મળ્યા તેનાથી એ સાબિત થયું કે ઈસવીસન પૂર્વે દોઢ હજાર વર્ષ પહેલાં અહીં એક સમૃદ્ધ નગર હતું, જેને બંદર પણ હતું.
પથ્થરના મોટા ભંડારોથી એક વાત સાફ થઈ કે પ્રાચીન દ્વારકામાં મોટાં વહાણોની આવનજાવન રહેતી હતી. ડૉક્ટર રાવનો દાવો છે કે એની નીચે મહાભારતમાં વર્ણવાયેલી કૃષ્ણની રાજધાની Dwarikaના અવશેષો પણ હશે જ!
ભગવાન શ્રીકૃષ્ણની Dwarika ક્યાં હતી અને ક્યારે ડૂબી એના કોઈ ચોક્કસ પુરાવા સંશોધનકારો પાસે નથી. ઓછામાં ઓછી નવ જગ્યાએથી Dwarika નગરી ‘અમારા પ્રાંતમાં કે અમારા જિલ્લામાં હતા.’ એવા દાવા થયાં છે.
ઈસરોના સ્પેશ એપ્લિકેશન સેન્ટરના વરિષ્ઠ વિજ્ઞાાની ડૉ.પી.એસ. ઠક્કરે એવો ઘટસ્ફોટ કર્યો હતો કે કૃષ્ણની દ્વારકા ખરેખર પુરાતત્વવિદે કહે છે એ જામનગરની દ્વારકા નહીં બલ્કે વેદો અને પુરાણો પ્રમાણે જૂનાગઢ જિલ્લામાં જમીન નીચ ધરબાયેલી છે. ઠક્કરસાહેબ એવું કહે છે કે ગુજરાતમાં એવા નવ સ્થળો છે જે કૃષ્ણની અસલ દ્વારકા હોવાનો દાવો કરાય છે, આ સ્થળો છે હાલનું જામનગર જિલ્લામાં વસેલું દ્વારકા શહેર, જૂનાગઢ જિલ્લામાં કોડિનાર પાસે વસેલું મૂળ દ્વારકા કે જિમાદુર્ગા, સુરેન્દ્રનગરનું મૂળી શહેર, વાંકાનેર પાસેનું પંચદ્વારકા, ઓખા નજીકનું બેટ દ્વારકા તેમ જ કચ્છના મોટા રણ નીચે દટાયેલી નગરી.
ડૉ. ઠક્કરનું કહેવું એમ છે કે પુરાણોમાં Dwarika નગરીનું જે વર્ણન છે તેમાં નદીઓ, જંગલો, પહાડો, રંગબેરંગી પુષ્પો ધરાવતાં ઉદ્યાનો વગેરેનો ઉલ્લેખ છે. હાલનું દ્વારકા શહેર આ વર્ણન સાથે મેળ નથી ખાતું. જ્યારે ઈસરોએ ઉપગ્રહથી લીધેલી તસવીરો દર્શાવે છે કે જિમા દુર્ગા (જૂનાગઢ જિલ્લો) આ બધા લક્ષણો ધરાવતું હતું.
સંશોધકો એવું માને છે કે વાસુદેવે વસાવેલી Dwarika આશરે ૩૫૦૦ વર્ષ પૂર્વે અરબી સમુદ્રમાં ડૂબી ગઈ હતી અને કૃષ્ણએ વસાવેલી જૂનાગઢ જિલ્લામાંના પ્રભાસક્ષેત્રની દ્વારકા પણ ગરક થઈ ગઈ હતી. ૧૯૮૮ પછી વારંવારના સંશોધન બાદ ડૉ. રાવની ટીમે Dwarika નજીકના સમુદ્રમાંથી જે અવશેષો બહાર કાઢ્યા છે એ સંભવિત અન્ય કોઈ પ્રાચીન નગરીના પણ હોઈ શકે. ડૉ. ઠક્કર ભારપૂર્વક એવું જણાવે છે કે ઉપગ્રહ દ્વારા જૂનાગઢ જિલ્લાની ભૂસ્તર રચનાની જે ઈમેજો મળી છે એનાથી જે વર્ણન તૈયાર થાય છે એ બિલકુલ ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્રમાંના ઉલ્લેખને મળતું આવે છે.
૧૧મી સદીમાં થઈ ગયેલાં ખૂબ જ તેજસ્વી, જૈનમુનિ હેમચંદ્રાચાર્યે લખેલાં ઉપરોેક્ત પુસ્તકમાં કૃષ્ણની દ્વારકાનું ભૌગોલિક વર્ણન કર્યું છે. તેમાં એવું લખ્યું છે કે ઈન્દ્રના કહેવાથી કુબેરે દ્વારકા નગરીની રચના કરી હતી. હાલમાં આ સ્થળ નાવડા (હોડી) તરીકે ઓળખાય છે. જૂનાગઢ નજીક ગીરનાર પાસેના આ ગામ અને આજુબાજુમાંથી જે મિલોલાઈટ ચુનાના પથ્થર મળે છે. તે દર્શાવે છે કે સદીઓ પૂર્વે આ વિસ્તારમાં દરિયો ઘૂઘવતો હશે.
આ બધા દાવા-પ્રતિદાવા વચ્ચે એવા પુરાતત્વકીય પુરાવા પ્રાપ્ત થયા છે જે કૃષ્ણને ઐતિહાસિક વ્યક્તિ તરીકેનું સમર્થન આપે છે. ઉદાહરણરૂપે બેડસા (મધ્યપ્રદેશમાં વિદિશા નજીક વસેલું નગર)માં ખોદકામ થયું તેમાં ઈસવીસન પૂર્વે ૩૦૦ વર્ષ જૂનું કૃષ્ણ (વાસુદેવ)નું મંદિર મળી આવ્યું છે. જેમાં કૃષ્ણ સાથે બલરામ (સમકૃષ્ણ)ની મૂર્તિ છે. આ મંદિરમાંથી કૃષ્ણનો પુત્ર પ્રદ્મુમન, પૌત્ર અનિરુધ્ધ તથા યાદવોનો નાયક સત્યકીની મૂર્તિ પણ મળી હતી.
ઈ.સ. ૫૭૪નો એક ઐતિહાસિક દસ્તાવેજ તાજેતરમાં મળી આવ્યો. વ્યાપક ખોદકામ કરતી વખતે સામંત સિંહાદીત્યની પાલિતાણા પ્લેટ્સનું અધ્યયન થઈ રહ્યું હતું. ત્યારે ખબર પડી કે આ દસ્તાવેજ (શિલાલેખ)માં એવી નોંધ છે કે દ્વારકા સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારાની રાજધાની છે અને કૃષ્ણ અહીં રહી ચૂક્યા છે.
છેલ્લા કેટલાંક વર્ષોથી દ્વારકા શહેરમાં ગોવાની નેશનલ ઈન્સ્ટિટયૂટ ઑફ ઓશનોગ્રાફીના મરીન આર્કિઓલોજી વિભાગના વિજ્ઞાાની ડૉ.એમ.આર.રાવ અને તેમના મદદનીશો અવારનવાર જહાજ લઈને દ્વારકાનો દરિયો ખૂંદવા નીકળી પડે છે.
તેમની ધારણા એવી છે કે જો કૃષ્ણએ સ્થાપેલી Dwarika નગરી સાચે જ એક સમયે અસ્તિત્વ ધરાવતી હોત અને તે સમુદ્રમાં ગરક થઇ ગઇ હશે તો તેના અવશેષો અચૂક મળવા જ જોઈએ. આ થિયરી આગળ કરીને ડૉ.રાવ તેમની પાસેના અદ્યતનત સાધનો વડે અરબી સમુદ્રમાં પુરાણી Dwarika નગરીનું સંશોધન કરી રહ્યાં છે. રાષ્ટ્રીય સાગર વિજ્ઞાાન સંસ્થા (નેશનલ ઈન્સ્ટિટયૂટ ઑફ ઑશનોગ્રાફી) એ Dwarikaના સંશોધન માટે વોટર સ્કૂટર પણ ખરીદ્યા છે. નાની સબમરીન જેવું આ વાહન સમુદ્રની તળે જઈ શોધ કરવામાં પણ મદદરૂપ થાય છે.
પુરાતત્ત્વવિદે માને છે કે આશરે ૩૫૦૦થી ૫૦૦૦ વર્ષ પહેલાં દ્વારકાની મૂળનગરી સમુદ્રમાં દટાઈ ગઈ હતી. એટલું જ નહીં, પણ અરબી સમુદ્રના તોફાની મોજાંએ છ-છ વખત Dwarikaને પોતાના પાણીમાં સમેટી લીધી હતી. આમ શક્યતા એવી છે કે સમુદ્રમાં એક નહીં પણ છ વાર વસેલી દ્વારકાનગરીના અવશેષો હોવા જોઇએ. વૈષ્ણવધર્મ પાળનારા અને રોજ દ્વારકાધીશની પૂજા કરનારા ડૉ.એસ.આર.રાવ તેમના વિસ્તૃત સંશોધન અને પુરાવાના આધારે એવું સિધ્ધ કરવા મથી રહ્યાં છે કે જામનગર જિલ્લાના દ્વારકા ખાતેના સમુદ્રમાં ૩૪૦૦ વર્ષ પહેલાંની દ્વારકાનગરી સમુદ્રમાં નવથી દસ મીટર ઊંડે ગરકાવ થઇ ગઇ છે. રાવની દલીલ એવી છે કે ૩૪૦૦ વર્ષ પૂર્વેનો કાળ મહાભારત યુદ્ધના સમયકાળ તરીકે સર્વસ્વીકૃત મનાયો છે. તે સંદર્ભમાં મહાભારત અને ભગવાન શ્રીકૃષ્ણ માત્ર કથા નહિ, પણ એક હકીકત હોવાનું આ સંશોધનમાં ફલિત થયું છે.
દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગયાની ઘટના પાછળનું મુખ્ય કારણ શોધી કાઢવા માટે આ નગરીના સમકાલીન અને નજીકમાંના સોમનાથ તથા પિંડારા એ બે સ્થળોએ પધ્ધતિસર સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. નિષ્ણાતો વચ્ચે એવો મતભેદ પ્રવર્તે છે કે દ્વારકા નગરી કોઇ મહાભૂકંપને કારણે પાણીમાં ગરક થઇ ગઇ હશે. કારણ કે જો સમુદ્રની સપાટી વધવાને કારણે દ્વારકા સમુદ્રમાં ડૂબી જવા પામી હોય તો પછી તેની નજીકમાં જ આવેલા સોમનાથ અને પિંડારા જેવા સ્થળો પણ સમુદ્રમાં ડૂબી ગયા હોવા જોઇએ. એવા તર્કના સંદર્ભમાં એ બન્ને સ્થળોએ દરિયાના ઊંડાણના સંશોધનો હાથ ધરવામાં આવ્યાં છે.
સોમનાથ નજીકના પિંડારાનો ઉલ્લેખ મહાભારતમાં ‘પિંડતારક’ તરીકે થયો છે. સોમનાથ તેમ જ પિંડારા ખાતે સમુદ્રમાં ડૂબી ગયેલા શિવલિંગો ઓટના સમયે જોવા મળતા હોવાનું અહીંના સ્થાનિક લોકો જણાવે છે.
અગાઉ વર્ષ ૧૯૮૨થી ૧૯૮૬ સુધી ડૉ.એસ.આર.રાવના નેતૃત્વ હેઠળ એક ‘મરીન એક્સપિડિશન’ ટીમે દ્વારકા શહેરમાં હાલ જ્યાં ભગવાન દ્વારકાધીશનું મંદિર આવેલું છે. તેની નજીકમાં આવેલ બેટ દ્વારકાના દરિયામાં ઉત્ખનન કરતાં આ પૌરાણિક શહેરના અવશેષો મળી આવ્યા હતા. જેમાં સિંધુ સંસ્કૃતિની પધ્ધતિનાં છીપલાંના મહોરો, માટીના વાસણો, ગ્લેઝડ બોટલો હડપ્પીયન યુગ પછીના માટી તેમજ તાંબાના વાસણો અને છીપલામાંથી બનાવેલી બંગડીનો સમાવેશ થાય છે.
સૌથી રસપ્રદ વાત તો એ છે કે સમુદ્ર સંશોધન દરમિયાન ડૂબકીમારોને ચારહાથવાળા વિષ્ણુની મૂર્તિ મળી આવી છે. જેનાં ઊંચા હાથમાં ગદા અને શંખ છે. તેમ જ માથે મુગટ છે.
શ્રધ્ધાળુઓ માને છે કે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકામાં રહેતા હતા અને દ્વાપર યુગની સમાપ્તિ થઈ ત્યાં સુધી દ્વારકામાં જ હતા. આજે પણ દ્વારકાની ગણના દેશના સાત સૌથી પવિત્ર તીર્થસ્થળોમાં થાય છે. જેમાં દ્વારકા ઉપરાંત અયોધ્યા, મથુરા, હરિદ્વાર, વારાણસી, કાચી અને ઉજ્જૈનનો સમાવેશ થાય છે. આ સાતેય નગર મોક્ષદા (મોક્ષ અપાવે તેવાં તીર્થસ્થળ) ગણાય છે.
વાતનો સાર એ છે કે જો મહાભારતકાલીન દ્વારકાના અવશેષો પ્રાપ્ત કરવામાં સફળતા મળશે તો ભારતની જનતા પર થોપવામાં આવેલાં કેટલાય ઐતિહાસિક ભ્રમોનું નિરસન થશે. મધ્યકાલીન Dwarika ઇસવીસનની ૧૫૦૦ વર્ષ પહેલાં અસ્તિત્ત્વમાં હતી તો પ્રાચીન Dwarika તો એનાથી પણ બહુ અગાઉ અસ્તિત્ત્વમાં હશે- એ વાત સાબિત થશે. મહાભારતયુગનો સમયખંડ નક્કી કરવાનું સહેલું બનશે. આર્યો ભારત બહારથી આવ્યા એ ભ્રાંતિ પણ તૂટશે. ભારતીય ઇતિહાસ સાથે મનસ્વી વ્યવહાર કરવાની પ્રવૃત્તિ રોકવામાં આ શોધ મહત્વનું યોગદાન આપશે અને ઇતિહાસલેખનને એક નવી દિશા સાંપડશે.