ભારતમાં સ્માર્ટફોનનું માર્કેટ વધવાની સાથે સાથે Facebook જેવા સોશિયલ મીડિયાનો અને તેના પગલે ડિજિટલ માર્કેટનો વ્યાપ પણ વધી રહ્યો છે. દુનિયાની દિગ્ગજ સોશિયલ મીડિયા કંપની Facebookને ભારતનું બજાર ફળી રહ્યું છે. વિતેલા વર્ષ 2020-21 દરમિયાન ભારતમાં Facebookની આવક વધીને 9000 કરોડ રૂપિયા પર પહોંચી છે.
એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે તે પહેલાના વર્ષમાં Facebook ની ભારતની આવક 6,613 કરોડ રૂપિયા હતી. જેમાં કોરોનાકાળ દરમિયાન વધારો થયો છે અને આવક 9,000 કરોડ રૂપિયા પર પહોંચી છે. જોકે હજી સુધી Facebook દ્વારા સત્તાવાર રીતે આંકડા જાહેર કરવાના બાકી છે.
છેલ્લા કેટલાક વર્ષોથી ઈન્ટરનેટ ડેટાની કિંમતોમાં થયેલા ઘટાડા અને સ્માર્ટફોનના પણ સસ્તા થવાના કારણે સોશિયલ મીડિયા કંપનીઓને ફાયદો થઈ રહ્યું છે. બીજી તરફ કોરોનાકળમાં લોકો ઘરે રહ્યા હોવાથી તેમણે મનોરંજન મેળવવાથી માંડીને અભ્યાસ માટે ઈન્ટરનેટનો સહારો લીધો હતો. Facebook ઈન્ડિયાનું કહેવું છે કે, ગયા વર્ષે યુઝર્સના બિઝનેસ અને બ્રાન્ડ સાથે ઓનલાઈન જોડાવામાં બદલાવ આવ્યો છે. ઓનલાઈન માર્કેટિંગ ખર્ચ વધ્યો છે અને તેના કારણે ડિજિટલ જાહેરાતોનો ગ્રોથ વધ્યો છે.
જાણકારોનું માનવું છે કે, હાલના વર્ષમાં ડિજિટલ માર્કેટમાં 40 ટકાનો વધારો થશે. આ ટ્રેન્ડ બદલાવો શક્ય નથી. ડિજિટલ કંપનીઓની ઈકોનોમીમાં ભાગીદારી વધારે મજબૂત થઈ રહ્યો છે. નાના અને મોટા બિઝનેસ ગ્રાહકો સાથે જોડાવા માટે ઈન્ટરનેટનો ફાયદો ઉઠાવી રહ્યા છે.