Gujarat,ઉત્તરાખંડ અને કર્ણાટકના મુખ્યમંત્રી બદલ્યા પછી ભારતીય જનતા પાર્ટી (BJP) 2022માં યોજાનારી ચૂંટણીમાં તેના 50 ટકા જેટલા ધારાસભ્યોની ટિકિટ કાપવા વિચાર કરી રહી છે. એન્ટી ઇન્કમ્બન્સીને ટાળવા આમ કરવામાં આવશે એમ રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. ભાજપ 2022માં યોજાનારી સાત વિધાનસભાની ચૂંટણીમાં 50 ટકા કરતાં વધારે ધારાસભ્યોને ટિકિટ નહીં આપે.
ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, મોદીએ અમેરિકા જતાં પહેલાં જે.પી. નડ્ડાને આ અંગેની સૂચના આપી દીધી છે.
વર્તમાન ધારાસભ્યો સામે લોકોમાં અસંતોષ અને એન્ટિ-ઈન્કમ્બન્સીને ખાળવા મોદી સંપૂર્ણ તો નહીં પણ પચાસ ટકા ધારાસભ્યોના કિસ્સામાં નો રીપીટ ફોર્મ્યુલાનો અમલ કરશે. 2022માં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર એ પાંચ રાજ્યોની માર્ચ-એપ્રિલમાં જ્યારે Gujarat, હિમાચલ પ્રદેશમાં નવેમ્બરમાં ચૂંટણી છે.
મોદીની સૂચનાના આધારે નડ્ડાએ સાતેય રાજ્યોનાં પ્રદેશ સંગઠનને ધારાસભ્યોના રીપોર્ટ કાર્ડ તૈયાર કરવા કહી દીધું છે. સાથે સાથે કોનાં પત્તાં કાપી શકાય તેમ છે તેની યાદી તૈયાર કરવા કહી દીધું છે. મોદી અમેરિકાથી પાછા ફરે પછી ધારાસભ્યોનાં રીપોર્ટ કાર્ડના મૂલ્યાંકન માટે સમિતી રચાશે. આ સમિતીના રીપોર્ટના આધારે કોની કોની ટિકિટ કાપવી તેનો નિર્ણય મોદી કરશે. ભાજપ યુપીમાં દોઢ કરોડ નવા સભ્યો સહિત સાત રાજ્યોમાં છ કરોડથી વધારે નવા સભ્યોની નોંધણી પણ કરશે.
ભાજપના પદાધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે પાર્ટીએ લોકોના મંતવ્ય જાણવા માટે કેટલાક રાજ્યોમાં ગ્રાઉન્ડ સર્વે હાથ ધર્યો છે. ધારાસભ્યોને પાંચ વર્ષના સમયગાળામાં કરેલા કામોનું રિપોર્ટ કાર્ડ રજૂ કરવા જણાવ્યું છે. પાર્ટી પછી તેના પર તારણો કાઢશે. જે ધારાસભ્યોનું પ્રદર્શન માપદંડ મુજબ નહીં હોય તો પાર્ટી તેને રિપિટ નહીં કરી.
ધારાસભ્યોનું સ્થાનિક સ્તરે કરેલા વિકાસ કર્યો, હાંશિયા પરના લોકોને સશક્ત બનાવવા માટે હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટ અને ‘સેવા હી સંગઠન’ જે કોરોનાકાળ દરમિયાન પાર્ટી દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો, તેમાં તેમના ફાળા દ્વારા તેઓનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ સર્વે તમામ મતવિસ્તારોમાં કરવામાં આવ્યો હતો જ્યાં સરકારની કામગીરી પર લોકોનો પ્રતિભાવ માંગવામાં આવ્યો હતો.
પદાધિકારીએ જણાવ્યું કે કોરોના મહામારી અભૂતપૂર્વ પડકાર સાથે આવી. જ્યારે સરકાર આરોગ્ય માળખામાં સુધારો કરીને, રસીકરણને સુનિશ્ચિત કરીને અને મેડિકલ જરૂરિયાતોને પૂરી પાડવાનું કામ કરી રહી હતી, ત્યારે પાર્ટીના અધ્યક્ષે દરેક રાજ્યના પક્ષને ‘સેવા હી સંગઠન’ કાર્યક્રમ હેઠળ જરૂરિયાતમંદોને ભોજન આપવા, જેમણે નોકરી ગુમાવી છે તેમની મદદ કરવી અને પાર્ટીના નેતાઓ હેઠળ આવતા તેમના બૂથમાં 100 ટકા રસીકરણ થાય તેની જવાબદારી ઉઠાવવા જણાવ્યું હતું. કાર્યક્રમ મોરચે ધારાસભ્યોએ કરેલા કામની પણ ગણતરી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે Gujarat ના મંત્રીમંડળમાં થયેલા ફેરફારના પડઘા દેશના રાજકારણમાં ઘણા દિવસો પછીય ગૂંજી રહ્યા છે. પંજાબમાં તો Gujarat મોડેલ લાગુ કરી કેપ્ટન અમરિન્દર સિંહને રાજીનામુ આપવા કોંગ્ર્સે મજબૂર કરવા પડ્યા હતા. વિજય રૂપાણી-નીતિન પટેલની સમગ્ર સરકાર બદલી નાખીને ભાજપના હાઈકમાન્ડે આકરા પાણીએ હોવાના સંકેત આપી દીધા છે. હવે ભાજપમાં સૌ કોઈ એક જ ચર્ચા કરી રહ્યા છે કે હવે કોનો વારો આવશે, કોની ટિકિટ કપાશે અને કોની સત્તા છિનવાશે.
કેમ કે આખી સરકારને ઘરે બેસાડી શકાતી હોય તો પછી સામાન્ય ધારાસભ્યો કે અન્ય મંત્રીઓની તો ભાજપના મોવડી મંડળ પાસે શું ગણતરી ? એટલે હવે 2022ની વિધાનસભા ચૂંટણી વખતે Gujarat ભાજપના અડધો અડધ ધારાસભ્યો કપાય એવી શક્યતા ઉભી થઈ છે. આજે જે ધારાસભ્યો પોતાની ગાડી પર એમએલએ લખાવીને ફરે છે એ પૈકીના ઘણાએ પોતાની ગાડીમાં એક્સ-એમએલએ લખવું પડે એવી સ્થિતિ સર્જાઈ શકે છે. કેમ કે ભાજપ મોવડી મંડળ હવે નકામા ધારાસભ્યોને ઘરે બેસાડવા માંગે છે.
કોરોના વખતે ઘણા ધારાસભ્યો નકામા સાબિત થયા છે. મંત્રીઓ નકામા સાબિત થયા એટલે એમને તો ઘરે બેસાડી દીધા. પણ ધારાસભ્યો એ કોઈ પણ પક્ષનું ખરું બળ છે. એ ધારાસભ્યો લોકો વચ્ચે જઈને કામ ન કરે તો તેમને ટિકિટ આપવાનો કોઈ અર્થ નથી. ઘણા ધારાસભ્યો એકથી વધુ ટર્મથી સત્તા પર છે પણ પ્રજાનો વિશ્વાસ ગુમાવી રહ્યા છે. ભાજપ પોતે આંતરિક રીતે દરેક ધારાસભ્યનું રિપોર્ટ કાર્ડ તૈયાર કરે છે. એમાં કોની કામગીરી કેવી રહી એ નોંધ થઈ રહી છે. સ્વાભાવિક છે કે એ રિપોર્ટ કાર્ડમાં ઘણા ધારાસભ્યોને પાસિંગ માર્ક્સ પણ મળે એમ નથી.
ઉલ્લેખનીય છે કે ભાજપ ઉત્તરાખંડ, કર્ણાટક અને Gujarat પછી હવે મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રીને બદલશે એવી વાતો શરૂ થઈ છે. ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, ગૃહ મંત્રી અમિત શાહે મધ્ય પ્રદેશની મુલાકાત દરમિયાન શિવરાજસિંહને આ વાતનો સંકેત આપી દીધો છે.
સૂત્રોનું તો કહેવું છે કે, ભાજપ હાઈકમાન્ડે શિવરાજના સ્થાને રાકેશ સિંહને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય પણ લઈ લીધો છે. જબલપુરના સાંસદ રહી ચૂકેલા રાકેશ સિંહ શાહ ગયા વરસ સુધી મધ્ય પ્રદેશ ભાજપના પ્રદેશ પ્રમુખ હતા. શનિવારે શાહ જબલપુર ગયા ત્યારે તેમણે સિંહ સાથે અલગથી વાતચીત કરી હતી.
Gujarat New CM : ગુજરાતના નવા મુખ્યમંત્રીપદે Bhupendra Patel ની નિમણુક, ભાજપે કરી આશ્ચર્યજનક જાહેરાત
ભાજપનાં સૂત્રોની વાત માનીએ તો શિવરાજ સિંહને હટાવવા ભાજપ હાઈકમાન્ડ માટે સરળ નહીં હોય. શિવરાજ સરળતાથી હથિયાર હેઠાં મૂકવાના મૂડમાં નથી. શાહની મુલાકાત પછી શિવરાજે ઉપરાછાપરી બેઠકો શરૂ કરી છે.
તેમણે પોતાના સમર્થકોને મુખ્યમંત્રી નિવાસે બોલાવીને તેમની સાથે ચર્ચા કરવા માંડી છે. જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે પણ તેમણે વાત કરી છે. સાથે સાથે અધિકારીઓ સાથે પણ બેઠકો શરૂ કરીને વિકાસ યોજનાઓના અમલમાં ઝડપ લાવવા સૂચના આપી છે.