India Today નો ચોંકાવનારો Survey : યોગી આદિત્યનાથ, અમિત શાહ અને મમતા બેનર્જીની લોકપ્રિયતામાં ધરખમ વધારો : રાહુલની લોકપ્રિયતા પણ વધીઃ અગાઉ ૪૦થી ૫૦ ટકા લોકો જીવનધોરણ બદલાયાનું જણાવતા પણ હવે માત્ર ૨૮ ટકા જ આવુ કહે છેઃ કોરોનાની બીજી લહેર મોદી માટે ભારે રહી
India Today મેગેઝીન દ્વારા ‘મુડ ઓફ નેશન’ અંગે થયેલા Survey માં એવુ બહાર આવ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં ધરખમ ઘટાડો થયો છે. Survey અનુસાર એક વર્ષ પહેલા વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા ૬૬ ટકા હતી જે હવે ઘટીને ૨૪ ટકા થઈ ગઈ છે.
આ Survey માં પૂછવામાં આવ્યુ હતુ કે ભારત માટે સૌથી શ્રેષ્ઠ હવે પછીના વડાપ્રધાન કોણ હોવા જોઈએ તો ઓગષ્ટ ૨૦૨૧માં માત્ર ૨૪ ટકા લોકોએ જ મોદીને પોતાની પસંદગીના નેતા ગણાવ્યા હતા. જ્યારે જાન્યુઆરી ૨૦૨૧માં તેઓ આ મામલામાં ૩૮ ટકા લોકોની પસંદગી હતા,તો ઓગષ્ટ ૨૦૨૦માં પીએમ માટે ૬૬ ટકા લોકોએ તેમને પોતાની પહેલી પસંદ ગણાવ્યા હતા.
સૌથી મહત્વની વાત એ છે કે ભાજપના ફાયર બ્રાન્ડ નેતા હોવા છતા મોદીની લોકપ્રિયતા ભલે ઓછી થઈ હોય પરંતુ તેમના જ પક્ષના અને તેમની સાથે સારા સંબંધ ધરાવતા બે નેતાઓની લોકપ્રિયતામાં વધારો થયો છે. Survey અનુસાર યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ઓગષ્ટ ૨૦૨૧માં ૧૧ ટકા લોકોએ પીએમ તરીકે સૌથી સારા ગણ્યા છે. જાન્યુઆરી ૨૦૨૧માં આ આંકડો ૧૦ ટકા હતો જ્યારે ઓગષ્ટ ૨૦૨૦માં માત્ર ૩ ટકા લોકોએ જ તેમને પીએમ તરીકે સારા નેતા ગણ્યા હતા.
Survey આગળ જણાવે છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અને મોદી સરકારમાં નંબર ૨ ગણાતા અમિત શાહને ઓગષ્ટમાં ૨૦૨૧માં ૭ ટકા લોકોએ પીએમ લાયક સમજ્યા છે. જાન્યુઆરી ૨૦૨૧માં આ આંકડો ૮ ટકા હતો જ્યારે ઓગષ્ટ ૨૦૨૦માં માત્ર ૪ ટકા લોકોએ જ તેમને પીએમ તરીકે પસંદ કર્યા હતા.
વિપક્ષી નેતાઓની વાત કરીએ તો આમા રાહુલ ગાંધીની લોકપ્રિયતા ઓગષ્ટ ૨૦૨૧માં ૧૦ ટકા, જાન્યુઆરી ૨૦૨૧માં ૭ ટકા અને ઓગષ્ટ ૨૦૨૦માં ૮ ટકા હતી. અરવિંદ કેજરીવાલને ઓગષ્ટ ૨૦૨૧માં ૮ ટકા લોકોએ પીએમ તરીકે પસંદ કર્યા છે. જાન્યુઆરીમાં આ આંકડો ૪ ટકા હતો જ્યારે ઓગષ્ટ ૨૦૨૦માં ફકત ૨ ટકા લોકોએ જ તેમને પસંદ કર્યા હતા.
પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની લોકપ્રિયતા વધી છે. ઓગષ્ટ ૨૦૨૦માં માત્ર ૨ ટકા લોકોએ જ તેમને પીએમ તરીકે ફીટ ગણ્યા હતા પરંતુ જાન્યુઆરી ૨૦૨૧માં આ આંકડો બમણો વધી ૪ ટકા અને હવે ૮ ટકા થયો છે.
Survey અનુસાર રાહુલની બહેન પ્રિયંકાની લોકપ્રિયતામાં થોડો વધારો છે, જ્યારે સોનિયાની લોકપ્રિયતા ઘટી છે. પ્રિયંકાને ઓગષ્ટ ૨૦૨૦માં ૨ ટકા લોકોએ પીએમ તરીકે પસંદ કર્યા હતા, જ્યારે ઓગષ્ટ ૨૦૨૧માં આ આંકડો ૪ ટકા થયો છે. જ્યારે સોનિયાની વાત કરીએ તો ગત ઓગષ્ટમાં ૫ ટકા લોકો તેમને પસંદ કરતા હતા પરંતુ ઓગષ્ટ ૨૦૨૧ સુધીમાં માત્ર ૪ ટકા લોકોએ જ તેમને પીએમ તરીકે પસંદ કર્યા હતા.
‘મુડ ઓફ નેશન’ ૧૦ જુલાઈથી ૨૦ જુલાઈ વચ્ચે થયો હતો. દેશના ૧૯ પ્રાંતના ૧૧૫ સંસદીય વિસ્તારો અને ૨૦૩૦ વિધાનસભા વિસ્તારોમાં આ Survey થયો હતો.
પીએમ મોદી વડાપ્રધાન બન્યા બાદ લોકોનું જીવન કેટલુ બદલાયુ છે ? Survey માં અગાઉ ૪૦ – ૫૦ ટકા લોકો જીવન ધોરણમાં સુધારાનું જણાવતા હતા તે આંકડો ઘટીને ૨૮ ટકા થયો છે.
મોદીની લોકપ્રિયતાના ઘટાડા પાછળ કોરોનાની બીજી લહેર કારણભૂત ગણી શકાય. ફુગાવો અને બેરોજગારી લોકો માટે મુખ્ય ચિંતાની બાબત છે.