- આજે સતત ત્રીજા દિવસે પણ રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજનના બાટલાની લાંબી લાઇન જોવા મળી
- ચારેબાજુ એક જ ચર્ચા ઇન્જેક્શન છે, બેડ છે, ઓક્સિજન છે તો કંઇક કરો, લોકોનો આખો દિવસ રઝળપાટ
રાજકોટવાસીઓ સવારથી સાંજ સુધી એક જ દોડધામ કરતા નજરે પડે છે. ઓક્સિજન ક્યાં ભરી દેશે અને ભરી દેશે તો કેટલું વેઇટિંગ હશે તેવા સવાલો બજાર હોય, પાનની દુકાન હોય કે પછી હોસ્પિટલમાં સાંભળવા મળી રહ્યાં છે. ઘણા લોકો સિલિન્ડરની શોધમાં નીકળે છે, ઘણા લોકો સિલિન્ડરમાં ઉપર લગાડવાની કિટ શોધી રહ્યાં છે અને બધો જુગાડ મહામહેનતે થઇ ગયા પછી પણ ચિંતા દૂર થતી નથી. કેમ કે અંતે ઓક્સિજન ભરાવા માટે ખૂબ દૂર જવું પડે છે અને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડે એવી પરિસ્થિતિ સર્જાય છે. સવારથી કુંડલિયા કોલેજના ગેઈટથી ચૌધરી હાઇસ્કૂલના મેદાન સુધી અડધો કિલોમીટર સુધી લાંબી લાઇન રેમડેસિવિર ઇન્જેક્શનની લાગે છે.
લોકો ઓક્સિજન મેળવવા વલખા મારી રહ્યાં છે
દિવસેને દિવસે ઓક્સિજનની માંગમાં સતત વધારો જોવા મળે છે. ત્યારે લોકો હાલ ઓક્સિજન મેળવવા વલખા મારી રહ્યાં છે. ઘરે રહીને સારવાર કરી રહેલા દર્દીના પરિવારજનો ઓક્સિજન માટે લાંબી કતારોમાં સવારથી ઉભા નજરે પડી રહ્યા છે. ત્યારે હાલ શાપર-વેરાવળમાં આવેલા ઓક્સિજન રિફીલિંગ યુનિટ બહાર લાંબી લાઈનમાં ઉભા દર્દીના હાલ બેહાલ બની ગયા છે. પરિવારજનો પોતાનો રોષ ઠાલવી રહ્યાં છે અને તંત્રને સારી વ્યવસ્થાઓ જલ્દીથી ઉપલબ્ધ કરે તેવી માગણી કરી રહ્યાં છે. એક તરફ પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે પણ ઓક્સિજનની કોઈ વ્યવસ્થાઓ ન હોય લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે.
રાજકોટમાં મેડિકલ અંધાધૂધી ઊભી થઈ છે
કોરોનાએ રાજકોટને વેન્ટિલેટર પર લાવી દીધું છે. શહેરમાં રોજ 700થી વધુ કેસ સામે આવી રહ્યા છે અને 80 જેટલા દર્દીનાં મોત થઈ રહ્યાં છે. શહેરમાં નથી બેડ કે નથી રેમડેસિવિર કે ઓક્સિજન. દર્દીઓ ઓક્સિજન વિના રસ્તા પર તડપી રહ્યા છે અને કેટલાક તો મોતને પણ ભેટ્યા છે. નવા દર્દીઓ પોતાના ખાનગી વાહન કે એમ્બ્યુલન્સમાં આવી લાઇનમાં ઊભા રહે છે. સિવિલ હોસ્પિટલમાં 12-12 કલાક વીતવા છતાં પણ વારો આવતો નથી. ત્યારે દર્દીઓનાં સગા કોરોનાનો ડર છોડી પોતાના સ્વજનને બચાવવા વલખાં મારી રહ્યા છે. કોઇ ઓક્સિજનના બાટલા પકડી રાખે છે તો કોઇ દર્દીના નાકમાંથી ઓક્સિજનની નળી નીકળી ન જાય એ માટે પકડી રાખે છે. આ પ્રકારનાં કરુણ દૃશ્યો કેમેરામાં કેદ થયાં છે. આમ, શહેરમાં મેડિકલ અંધાધૂંધી ઊભી થઈ છે.
રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા લોકોની લાંબી લાઇન.
24 કલાક ચાલે એટલા ઓક્સિજન માટે 500 લોકો 12 કલાક સુધી 5 કિલોમીટર લાંબી લાઇનમાં ઊભા રહે છે
રાજકોટમાં હોસ્પિટલમાં બેડની અછત એટલી છે કે ગંભીર દર્દીઓને પણ ઘરે રાખવા પડે છે, સતત ઓક્સિજન પર રાખીને રિકવરી થાય એવા પ્રયાસો થાય છે. આવી સ્થિતિમાં પણ ઓક્સિજન ન મળતાં દર્દીઓની જ નહીં, તેમનાં સ્વજનોની હાલત કફોડી બને છે. રાજકોટમાં ઓક્સિજન-સિલિન્ડર રિફીલિંગ માટે પાંચ જ એજન્સી છે અને એ પણ શહેરથી 15 કિ.મી. દૂર આવેલા શાપર વેરાવળ અને મેટોડા જીઆઈડીસીમાં જઈ રહ્યા છે. આમ છતાં પણ તરત જ રિફિલિંગ નથી થતું, પણ કતારમાં ઊભું રહેવું પડે છે.
ચૌધરી હાઇસ્કૂલમાં ઇન્જેક્શન મેળવવા લોકોની લાંબી લાઇન.
24 કલાક ચાલે એટલો જ ઓક્સિજન મળે છે
સવારથી લાઈનમાં ઊભા હોઈએ ત્યારે છેક 12 કલાકે સાંજે વારો આવે છે. જે સિલિન્ડર રિફિલ થયું હોય એ માંડ 15થી 24 કલાક દર્દીની હાલત મુજબ ચાલે અને ફરીથી સ્વજનોએ પ્રાણવાયુ માટે દોડવું પડે છે. આ સ્થિતિ એટલી ગંભીર છે કે દર્દીઓનાં સ્વજનો માનસિક રીતે પડી ભાંગ્યાં છે અને કર્ફ્યૂ હોવા છતાં આખી આખી રાત અલગ અલગ સંસ્થાઓ અને કંપનીઓ પાસે જઈને એક-એક સિલિન્ડર માટે હાથપગ જોડી રહ્યા છે. શાપરના ત્રિશૂલ ઓક્સિજન નામના રિફિલિંગ સેન્ટર પર જતાં લોકોની પીડા જોવા મળી હતી.
આ કોઇ મેળાવડો નહીં પણ સ્વજનના શ્વાસ બચાવવાના પ્રયાસો છે.