Chinese Ink થી નકલી નોટના કારોબારનો મુદ્દો લઇને ગુજરાતમાં કેટલીક ગેંગ સક્રિય
દસ લાખની સામે વીસ લાખ રૂપિયાની કોરી નોટનો સોદો
કોરો કાગળ પર 2000 રૂપિયા બનાવવાની જાદુઇ ટ્રિક બતાવીને લાખો રૂપિયા લઇને રફુચક્કર
ઓનલાઇન ચીટિંગ, એક કા તીન, હવામાંથી રૂપિયાનો વરસાદ જેવા અનેક પેંતરા રચીને ગઠિયા રૂપિયા કમાય છે. ત્યારે હવે તે નકલી નોટના કારોબાર કહીને લાખો-કરોડો રૂપિયા કમાઇ રહ્યા છે, જેની પાછળનું સૌથી મોટું હથિયાર ચાઇનીઝ Ink છે. ચાઇનીઝ Inkની મદદથી ગઠિયા વ્હાઇટ કોરા કાગળમાંથી બે હજાર રૂપિયા બનાવવાની જાદુઇ ટ્રિક બતાવીને લાખો રૂપિયા લઇને રફુચક્કર થઇ જાય છે.
જાદુઇ ટ્રિક બતાવીને પાણીમાંથી બે હજાર રૂપિયા બહાર કાઢે આ ગેંગ
પાકિસ્તાન તેમજ બાંગ્લાદેશથી આવતી નકલી નોટ એટલી બધી આબેહૂબ હોય છે કે તેને પુરવાર કરવી પણ અઘરી બની જાય છે. નકલી નોટના કારોબારનો મુદ્દો લઇને ગુજરાતમાં કેટલીક એવી ગેંગ સક્રિય થઇ છે કે જે લોકો પાસેથી રૂપિયા પડાવી રહી છે. ધ્રાંગધ્રા સહિત અનેક જગ્યા પર એવી ગેંગ સક્રિય છે, જે જાદુઇ ટ્રિક બતાવીને પાણીમાંથી બે હજાર રૂપિયા બહાર કાઢે છે અને પછી લાખો રૂપિયાનો ચૂનો લગાવે છે. એટીએસમાં ફરજ બજાવતા એક પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે આ ગેંગના હાથનો ખેલ હોય છે, જેમાં તે પાણીમાં વ્હાઇટ કાગળ નાખીને બહાર બે હજારની નોટ કાઢે છે.
અસલી ચલણી નોટ ઉપર વ્હાઇટ Ink લગાવે છે
સૂત્રો પાસેથી મળેલી વિગત અનુસાર આ ગેંગ પાસે ચાઇનીઝ Ink છે, જે બે હજાર રૂપિયાની ઓરિજિનલ નોટ ઉપર લગાવી દે છે અને ત્યાર બાદ તેને વ્હાઇટ કાગળ બનાવી દે છે, જ્યારે કોઇપણ વ્યક્તિ નકલી નોટનો સોદો કરવા માટે આવે છે ત્યારે ગઠિયા તેમને ડેમો બતાવતા હોય છે, જેમાં તે પાણીની ડોલ ભરીને લાવે છે અને તેમાં ચાઇનીઝ Inkનાં ટીપાં મિક્સ કરે છે. જે બે હજારની નોટ ઉપર વ્હાઇટ Ink લગાવી હોય તે કાગળ હોવાનું કહીને પાણીમાં નાખે છે. પાણીમાં કાગળ નાખ્યા બાદ બંને હાથથી સાફ કરી દે છે, જેના કારણે વ્હાઇટ Ink પાણીમાં જતી રહે છે અને બે હજારની નોટ બહાર કાઢે છે.
ગઠિયા નકલી નહીં ઓરિજનલ ચલણી નોટ આપીને બજારમાં વટાવવા મોકલે છે, સોદો કરનાર આવી જાય છે વિશ્વાસમાં
બે હજારની નોટ પાણીમાંથી બહાર કાઢે છે અને તેને સૂકવી દીધા પછી ગઠિયા જે તે વ્યકિતને તે નોટ આપે છે અને બજારમાં વટાવવા માટે મોકલે છે. ઓરિજનલ ચલણી નોટ હોવાના કારણે કોઇ પણ જગ્યાએ તે વટાવી શકે છે, જેના કારણે સોદો કરવા માટે આવેલી વ્યક્તિને વિશ્વાસ આવી જાય છે.
દસ લાખની સામે વીસ લાખ રૂપિયાની કોરી નોટનો સોદો
ગઠિયા દસ લાખ રૂપિયાના બદલામાં વીસ લાખ રૂપિયાના વ્હાઇટ કાગળ અને ચાઇનીઝ Ink આપે છે. રૂપિયા લઇ લીધા બાદ ગઠિયા છૂ થઇ જાય છે અને જ્યારે જે તે વ્યક્તિ Ink અને કોરા કાગળ લઇને આવે છે ત્યારે તેમને માલૂમ થાય છે કે તેમની સાથે ચીટિંગ થઇ ગયું છે, પરંતુ ભોગ બનનાર વ્યક્તિ પોલીસ ફરિયાદ પણ કરી શકતી નથી, જેના કારણે ગઠિયાને મોજ પડી જાય છે. ગઠિયાના આવા કાંડના કારણે કેટલાક લોકોએ પોતાનાં જીવન ટૂંકાવી દીધાં છે અને કેટલાક લોકો રોડ પર આવી ગયા છે. અમદાવાદમાં આ ગઠિયાના કેટલાક એજન્ટ પણ ફરી રહ્યા છે, જેમને કિમશન આપવામાં આવે છે. આ ગઠિયાઓ પોતાનાં નામ બદલીને આ કાંડ આચરે છે.
ચાંદખેડાઃ યુટ્યૂબ પરથી નકલી નોટ બનાવવાની શીખી ટ્રિક
દેશના અર્થતંત્રને તોડવા માટે કેટલાંક દેશદ્રોહી તત્ત્વો નકલી નોટ છાપવાનું કામ કરી રહ્યાં હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. તાજેતરમાં એસઓજી ક્રાઇમે ચાંદખેડામાંથી પાંચ યુવકોની લાખો રૂપિયાની નકલી નોટ સાથે ધરપકડ કરી હતી, જેમણે શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે નકલી નોટ છાપવાનું શરૂ કરી દીધું હતું. યુટ્યૂબ પરથી નકલી નોટ કેવી રીતે બને છે તે જોઇને યુવકોએ આ કાંડ આચર્યો હતો અને અંતે તેમને જેલના સળિયા પાછળ જવાનો વારો આવી ગયો હતો.
કપડાં પરથી શાહી (Ink) ના ડાઘ દૂર કરવાની કેટલીક આસાન ટિપ્સ જાણો…
CTM: તામિલનાડુથી નકલી નોટ અમદાવાદ લવાઈ હતી
આ સિવાય સીટીએમ પાસેથી થોડા દિવસ પહેલાં રામોલ પોલીસે મહિલા સહિત ત્રણ લોકોને નકલી નોટના જથ્થા સાથે ઝડપી લીધા હતા, જે અમદાવાદના વિવિધ વિસ્તારમાં નકલી નોટને ફરતી કરવા માટેનું કાવતરું કરી રહ્યા હતા. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ પૈકી એક આરોપી તામિલનાડુથી નકલી નોટ લાવ્યો હોવાનો ખુલાસો થયો હતો. નકલી નોટનું ષડ્યંત્ર દેશમાં તેમજ પાડોશી દેશ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળમાં ચાલી રહ્યું છે. નકલી નોટના કારણે દેશનું અર્થતંત્ર ખોખલું થઇ રહ્યું છે, જેને રોકવા માટે સુરક્ષા એજન્સીઓ સતર્ક છે.